રીવરફ્રન્ટ ખાતે “સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શન”નો શુભારંભ
તા.૨૩ જૂન સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિવિધ ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરવા સખીમંડળની બહેનોમાં ભારે ઉત્સાહ
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો
અને સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણનો તેમજ વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ-૨૦ વર્ષના વિકાસ કાર્યક્રમનો સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રંસગે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીશ્રી અને સખીમંડળની બહેનો દ્વારા મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાતત્યપૂર્વક પ્રયાસો કરી રહી છે. મહિલાઓ પોતાનામાં રહેલી આવડતોને બહાર લાવીને આજીવિકા મેળવીને આત્મનિર્ભર બને તેવી નેમ સાથે આ સખીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ રાજ્ય સરકારનું ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ અને ૨૦ વર્ષનો વિકાસ’ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.
અમદાવાદ જીલ્લા અને રાજ્ય ના અન્ય જીલ્લામાંથી આવેલા આશરે ૧૦૦ જેટલા સ્ટોલ પર સ્વ સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓ જેવી કે પેચવર્ક, હેન્ડક્રાફટ, કુર્તી, ડ્રેસ મટીરીયલ્સ, કટલેરી, હોમ ડેકોર આઈટમ, ભરત ગુંથણ,
હર્બલ પ્રોડક્ટ, દોરી વર્ક, હસ્તકલાની ચીજવસ્તુઓ, કોયર વર્ક આર્ટીવકલ્સ, સોફ્ટ ટોયઝ, દોરી જુલા, અથાણાં, મરી-મસાલા તેમજ વિવિધ પ્રકારના નાસ્તાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
૨૩ જૂન સુધી સવારે ૧૧:૦૦ થી રાત્રિના ૯:૦૦ કલાક સુધી ચાલનારા સખીમેળાનો લાભ લેવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
આ પ્રસંગે GLPC જનરલ મેનેજર સુશ્રી વિજયાબેન દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઈલાબેન આહીર, વિવિધ સખી મંડળની બહેનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.- મનીષા પ્રધાન