રુપિયાનું બંડલ આપવાના બહાને દાગીના પડાવી લેતા બે ઠગ પકડાયા
વડોદરા, સોનાના દાગીનાના બદલામાં ૫૦૦ નું બંડલ આપવાની લાલચ આપી મહિલાના દાગીના પડાવી લેનાર બે ઠગને પીસીબી પોલીસે ગણત્રીના કલાકમાં ઝડપી પાડી તમામ દાગીના કબજે કર્યા છે.જ્યારે તેઓના ત્રીજા સાગરિતની શોધખોળ હાથ ધરી છે.
સયાજીગંજ ભીમનાથ મંદિર પાસે જામવાડીમાં રહેતા ૪૫ વર્ષના લક્ષ્મીબેન અશોકભાઇ મોરેએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું અનુપમ સોસાયટીમાં ઘરકામ કરૃં છું.આજે સવારે ૧૦ વાગ્યે હું મારા ઘરેથી નીકળીને કામ કરવા માટે અનુપમ સોસાયટીમાં જતી હતી.ત્યારે વલ્લભ ચોક પાસેથી પસાર થતા સમયે બે અજાણ્યા છોકરાઓ મને મળ્યા હતા.
અને જણાવ્યું હતું કે,માસી મને ચ્હા પીવા માટે પૈસા આપો.મેં તેઓને જણાવ્યું હતું કે,મારી પાસે પૈસા નથી.ત્યારે તેની સાથેના બીજા છોકરાએ તેને ૫૦ રૃપિયા આપ્યા હતા.જેથી,તે આર.સી.દત્ત રોડ તરફ ચાલવા લાગ્યો હતો.મારી પાસે ઉભેલા છોકરાએ મને કહ્યું કે,ચાલો આપણે તેની પાછળ જઇએ.અને જે છોકરો આગળ જતો હતો.તેને બૂમ પાડીને ઉભો રાખ્યો હતો.ત્યારબાદ એક છોકરાએ મને રૃપિયાનું બંડલ બતાવ્યું હતું.તેણે બંડલમાંથી ૫૦૦ ની એક નોટ કાઢીને મને આપી હતી.અને થોડીવાર પછી પરત લઇ લીધી હતી.
તે છોકરાએ મને દાગીનાના બદલે બંડલ આપવાનું કહીને મારૃં મંગળસૂત્ર, બુટ્ટી, રૃમાલમાં મૂકાવી દઇ પાકીટ માંગતા મેં તેને પાકીટ આપ્યું હતું.ગઠિયાએ દાગીના બાંધેલો રૃમાલ પાકીટમાં મૂકી દીધો હતો.અને મારા માથા પરથી એકવાર પાકીટ ફેરવીને મને પરત આપી દીધું હતું.થોડીવાર પછી મેં જાેયું તો મારા પાકીટમાં માત્ર પથ્થર હતા.દાગીના નહતા.
બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૃ કરી હતી.દરમિયાન પી.સી.બી.પી.આઇ. જે.જે.પટેલે સીસીટીવી ફૂટેજના આધારે મોપેડનો નંબર મેળવી તપાસ હાથ ધરી હતી.દરમિયાન બે આરોપીઓ (૧) રવિ કિશનભાઇ મારવાડી અને (૨) અર્જુન બાલુભાઇ સલાટ (બંને રહે.રાજુનગર, ખોડિયારનગર ચાર રસ્તા પાસે)ને ઝડપી પાડયા હતા.જ્યારે તેઓના ત્રીજા સાગરિત રાહુલ મારવાડીની શોધખોળ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર તથા બુટ્ટી કિંમત રૃપિયા ૪૫ હજારના દાગીના કબજે લીધા છે.HS