રૂપાણી સરકાર સમયે રાજકોટમાં કામોને ગતિ ન મળી હોવાનો ભાજપના ધારાસભ્યનો કટાક્ષ
ગાંધીનગર, ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે નિમણૂક થયા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. વિજય રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વિજય રૂપાણીએ ડૉક્ટર વલ્લભ કથીરીયાને પોતાની પાસે બોલાવીને કઈ કહ્યું અને ત્યારબાદ વલ્લભ કથીરીયા પાછલી હરોળમાં જઈને બેસી ગયા.
તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોથી જ સ્પષ્ટ થાય છે કે, રાજકોટમાં સત્તાને લઇને ખટરાગ છે. ત્યારે હવે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે મુલાકાત કરી હતી અને રાજકોટના બાકી રહેલા કામોને ગતિ આપવા માટેની રજૂઆત કરી હતી. ગોવિંદ પટેલ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં રૂપાણી સરકાર સમયે રાજકોટમાં કામોને ગતિ ન મળી હોવાનો કટાક્ષ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને માગણી કરી છે કે, રાજકોટ શહેરનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જાહેર કર્યો હતો તે આજી રીવર ફ્રન્ટને પર્યાવરણની મંજૂરી આપીને કામ આગળ વધારવા તેમજ રાજકોટ કાયમી પાણીની તંગીની સમસ્યા ભોગ બનતું શહેર છે.
તેને પૂરક કરવા માટે રાજકોટ નજીકથી પસાર થતી નદી ઉપર ડેમ બનાવીને રાજકોટને પૂરક થઇ શકે તેવી યોજનાને આગળ વધરવા, તેમજ યુએલસીના કાયદા વખતે બનેલ માલિકીની ખેતીની જમીન ઉપર બંધાયેલી સૂચિત સોસાયટીને રેગ્યુલર કરવાનો ર્નિણય સરકારનો છે છતાં પણ તે કામને ગતિ આવતી નથી.
તેથી આ કામને ગતિ આપવા અને વસહતીઓને અધિકાર આપવા તેમજ રાજકોટના નગરદેવ તરીકે જેની આરાધના થાય છે તેવા સ્વયંભૂ રામનાથ મંદિરના મંદિરનું કામ કોન્ટ્રાકટના કારણે અટકેલું છે, તે કામ પૂર્ણ કરવા જરૂરી ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકાને ફાળવીને તે કામ કોર્પોરેશન હસ્તક સોંપવાની રજૂઆત કરવામાં આવી છે.
મહત્ત્વની વાત છે કે, રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હોવાના કારણે તેમનું વર્ચસ્વ અને કદ ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું કદ વધ્યું છે.
કારણ કે, આનંદીબેન પટેલના નજીકના ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો બજી તરફ આનંદીબેન પટેલના જૂથના ગણાતા ગોવિંદ પટેલે ભૂપેન્દ્ર પટેલને મળીને રૂપાણી સરકારના કાર્યકાળમાં રાજકોટમાં કેટલાક કામોમાં ગતિ ન આવી હોવાનો પ્રહાર આડકતરી રીતે કર્યો હતો. તો એક સમયે ગોવિંદ પટેલે એવું પણ નિવેદન આપ્યું હતું કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા મેં પદની આશા છોડી દીધી છે.HS