Western Times News

Gujarati News

રૂપાલ પંથકના પપૈયાનું દિલ્હી-મુંબઈની બજાર મંડીમાં ધૂમ વેચાણ

ભિલોડા: ખેતીક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચીલાચાલુ પાકોને ચકમો આપી ઓછી મહેનતે વધુ ઉત્પાદન અને વધુ દામ આપતા બાગાયતી પાકોના વાવેતર તરફ વળ્યા છે. હિંમતનગર તાલુકામાં પપૈયાનો હબ ગણાતા રૂપાલ પંથકમાં મોટેપાયે પકવતા પપૈયાઓ દિલ્હી અને મુંબઈની બજાર મંડીઓમાં વેચાઈ રહ્યા છે.

રૂપાલ ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી પપૈયામાં વધુ ઉત્પાદન આપતા તાઇવાન-૭૮૬ પપૈયાની ખેતી ખેડૂતો અપનાવી રહ્યા છે. આ અંગે રૂપાલના પ્રગતિશીલ ખેડૂત હાર્દિકભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ જણાવે છે કે દશ માસની મુદતના ગાળાના આ પપૈયા પાકમાં વીઘે સરેરાશ આઠસોથી પંદરસો મણ પપૈયાનો પાક ઊતરે છે. આમ માત્ર ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી થતી આ પપૈયાની ખેતીમાં વેપારીઓ ખેતરમાં ઉભા પાકના સોદા કરી  લઈ જતા હોઈ ખેડૂતોને માલ સંગ્રહ કરવાની કે બજારમાં વેચાણ માટે જવું પડતું નથી. પપૈયાનું માર્ચ અથવા એપ્રિલ મહિનામાં વાવેતર કરવામાં આવે છે. છ માસ બાદ પાક તૈયાર થતાં પપૈયાંના પાકને ખરીદવા રાજકોટ, ઉદયપુર અને દિલ્હી-મુંબઈના વેપારીઓ છેક ખેતર સુધી આવે છે અને ફળ જોઈને ઊભા પાકનો સોદો કરી આ પપૈયાને દિલ્હી અને મુંબઈની બજાર મંડીઓમાં તેમજ અન્ય રાજ્યોની બજારમાં વેચાણ અર્થે મોકલતા હોય છે.

ગત વર્ષે એક મણનો બજાર ભાવ રૂ.૧૦૦ થી રૂ.૨૦૦ રહ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પપૈયા પાકને થયેલા નુકશાનથી અછત સર્જાવાના કારણે પાકની ગુણવત્તા મુજબ એક મણના રૂ.૪૦૦ થી રૂ.૫૦૦ બજારભાવ રહેતા ખેડૂતોને થયેલ નુકશાન સામે યોગ્ય વળતર મળી રહેશે એમ ખેડૂતવર્ગ માની રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.