રૂપિયાની લેતીદેતીમાં ટ્રાફિક ક્રેનના બે કર્મચારીઓ ઝઘડ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નાગરીકોની સવલત માટે કાર્ય કરતાં ટ્રાફિકની ટ્રોઈંગ ક્રેનના કર્મચારીઓ અંદરોઅંદર બાખડી પડ્યા હતા. જેમાં ડ્રાઈવરેે અન્ય કર્મચારીને ચાકુ મારી દેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ટોઈંગ ક્રેનના ડ્રાઈવરની અટક માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર બનાવ રૂપિયાની લેતી દેતીના મામલે થયો હોવાનું સામે આવ્યુ છે. શાહીબાગ પોલીસ ઘટનાની ઉડી તપાસ કરી રહી છે.
આ બનાવ શુક્રવારે રાતે સવા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેની વિગતો એવી છે કે હિતેશ ગુપ્તા (રહે.રૂદ્રગ્રીન એપાર્ટમેન્ટ, ગુરૂકૃપા નારોલ, અમદાવાદ) શાહીબાગ ટ્રાફિક સ્ટેશનની ક્રેનમાં નોકરી કરે છે. ક્રેનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા આસિફ અહેમદ મલેક (શક્તિનગર સોસાયટી, આલિશાન કોમ્પ્લેક્ષ, દાણીલીમડા) ને ઉછીના આપેલા રૂપિયાની હિતેશે માંગણી કરી હતી.
જા કે આસિફે રાત્રે રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. બાદમાં રાત્રે દસેક વાગ્યે બંન્ને શાહીબાગ ટ્રાફિક સ્ટેશને હતા ત્યારે આસિફ પાસે રૂપિયા માંગતા એ ઉશ્કેરાઈ ગયો હતો. અને હિતેશને ગાળો બોલીને બંન્નેએ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા.
દરમ્યાનમાં હિતેશ કંઈ સમજે એ પહેલાં જ આસિફ પોતાની પાસે છુપાવી રાખેલું ચપ્પુ કાઢીને તેની ઉપર હુમલો કરી દીધો હતો. જા કે હિતેશ સાવધાન થઈ જતાં તેના હાથ પર ચપ્પુનો ઘા વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘાયલ હિતેશે બુમાબુમ કરતાં ટ્રાફિક કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા. જેમને જાઈ આસિફ ભાગી ગયો હતો. જ્યારે અન્ય સહકર્મી રીઝવાને તેને હોસ્પીટલે પહોંચાડ્યો હતો.