રૂમમાં તાપણું કરી સુઈ ગયા અને બંને મજુરોના મોત થયા
વડોદરા, ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેતા તેનાથી બચવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવામાં રાત્રે ઊંઘતી વખતે ઠંડી ના લાગે તે માટે તેનાથી બચવા માટે રૂમમાં તાપણું કરવું બે યુવકોને મોંઘું પડ્યું. બે યુવકો રૂમમાં રાત્રે ઊંઘતી વખતે તાપણું કરીને ઊંઘી ગયા હતા, અને સવારે બન્નેનું મોત થઈ ગયું.
આ ઘટના વડોદરાના રણોલીમાં આવેલી કંપનીના ડાર્ક રૂમમાં બની હતી. જ્યાં બે કારીગરો ઠંડીથી બચવા માટે રૂમની અંદર તાપણું લઈ ગયા હતા. પરંતુ રૂમમાંથી ધૂમાડો બહાર ના જવાથી બન્ને કારીગરો ગૂંગળાઈ ગયા હતા. આ કારીગરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરાની નજીક આવેલી રણોલીમાં ઓરિએન્ટલ કંપનીમાં વેસલ બનાવતી કંપનીમાં કામ કરતા મૂળ બિહારના શિવરાજપૂરના અને રણોલી ગામના રહેવાસી સુજીતકુમાર અને નીરજકુમાર નિશાદમાં કારીગર તરીકે નોકરી કરે છે. વધારે ઠંડી હોવાના કારણે સુજીતકુમાર અને નીરજકુમાર ડાર્ક રૂમ તાપણુ લઈને પહોંચી ગયા હતા. પણ જ્યારે સવારે સિક્યોરિટી ગાર્ડ તેમને ઉઠાડવા માટે પહોંચ્યા તો આખા રૂમમાં ધૂમાડો-ધૂમાડો હતો.
જેમાં નીરજ અને સુજીત મૃત હાલતમાં પડ્યા હતા. ગભરાયેલા સિક્યોરિટી ગાર્ડે બૂમાબૂમ કરીને અન્ય સ્ટાફને જાણ કરી હતી. આ પછી ઘટના અંગે પોલીસની જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જવાહર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. સુજીત અને નીરજનું મૃત્યું ધૂમાડામાં ગુંગળાઈ જવાના કારણે થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવ્યું છે.