Western Times News

Gujarati News

રૂા. ૩૦૦ કરોડના ખર્ચે બનેલી બાળ હ્યદયરોગ હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે  યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી

  • કોવિડમાં નિર્માણાધીન બિલ્ડીંગનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં શ્રેષ્ઠ ઉપયોગ કરાયો છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલેઆજે અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની મુલાકાત લીધી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું  કે,  હ્રદયરોગ માટે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત અમદાવાદની યુ. એન. મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓનો ધસારો રહેતો હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગ નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે બિલ્ડીંગ હવે પૂર્ણતાના આરે છે જે આપણા માટે આનંદની વાત છે.

યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં જ વિસ્તૃતિકરણ કરીને બાળ હ્યદયરોગ માટે નવીન બિલ્ડીંગનું ટૂંક સમયમાં જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બાળ હ્યદયરોગ માટેના નવીન સંકુલનું સ્વપ્ન જોઈ આયોજન કર્યુ હતું. જેના ભાગરૂપે જ રાજ્ય સરકાર દ્વારા કટિબદ્ધતા દાખવી રૂા.૩૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે.

શ્રી પટેલે ઉમેર્યુ કે, એપ્રિલ મહિનામાં જ્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ હતુ ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરી કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપી સિવિલ સંકુલની ૧૨૦૦ બેડની હોસ્પિટલની સાથે સા઼થે યુ. એન. મહેતાની નવનિર્મિત બિલ્ડીંગનો પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ૨  મહીના સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

તેમણે વિશેષમાં જણાવ્યુ કે, તાજેતરમાં WHO દ્વારા કોરોનાકાળમાં  ગુજરાત રાજ્ય દ્વારા  કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કોરોના કેસ અને સંક્રમણમાં ગુજરાત રાજ્ય દ્વિતીય ક્રમાંકે હતું, જે રાજ્ય સરકારના સઘન સારવાર, સંક્રમણ રોકવાના પ્રયાસો, ટેસ્ટીંગ અને નીચા મૃત્યુદરમાં કારણે ૧૧ થી ૧૨ માં ક્રમાંકે પહોંચ્યું છે.

બાળ હ્યદયરોગ માટે બિલ્ડીંગ ખૂલ્લું મૂકતા પહેલા આજે આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આરોગ્ય સચિવ શ્રી ડૉ. જયંતિ રવિ તેમજ યુ. એન. મહેતા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી આર. કે. પટેલ સાથે હોસ્પિટલમાં ચાલી રહેલી સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હાથ ધરી હતી.

તેમણે સ્થળ નિરીક્ષણ કરીને નિર્માણાધિન બિલ્ડીંગમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ, અત્યાધુનિક મશીનરીનો ચિતાર મેળવ્યો હતો. તેમજ ઉપસ્થિત અધિકારીઓને દર્દીઓની સારવારમાં કોઇપણ પ્રકારની કસર ન રહી જાય તે માટેના જરૂરી સૂચનો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.