રૂ.૧ર૦૦ કરોડની સંપત્તિ ધરાવતા રમેશ બાબુ ભારતનાં સૌથી ધનિક વાળંદ
રમેશ બાબુ આશરે રૂ.૧ર૦૦ કરોડની સંપત્તિના માલિક છે, છતાં હજુ પણ બેંગ્લુરૂમાં તેમના સલૂનમાં લોકોના વાળ કાપે છે. આજે તેમની પાસે મર્સિડીઝથી લઈને રોલ્સ રોયસ સુધીની દરેક મોંઘી કાર તેમના કાફલામાં સામેલ છેરમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના રમેશ બાબુ ભારતના સૌથી ધનિક વાળંદ છે. આજે તેમની પાસે ૪૦૦ કાર છે. જેમાંથી ૧ર૦ લકઝરી વ્હીકલ છે. મર્સિડીઝથી લઈને રોલ્સ રોયસ સુધીની દરેક મોંઘી કાર તેમના કાફલામાં સામેલ છે. રમેશ બાબુ આશરે રૂ.૧ર૦૦ કરોડની સંપત્તિના માલિક છે છતાં હજુ પણ બેંગ્લુરૂમાં તેમના સલૂનમાં લોકોના વાળ કાપે છે.
એવું નથી કે આજે આ કામ કરવું તેમની મજબૂરી છે પરંતુ તેમના પારિવારિક વ્યવસાય પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વાળંદનું કામ કરી રહ્યા છે. એવું નથી કે રમેશ બાબુને ટુર એન્ડ ટ્રાવેલ્સનો આ બિઝનેસ વારસામાં મળ્યો છે. તેમને વારસામાં માત્ર ગરીબી મળી હતી. તેઓ એટલા ગરીબ હતા કે, તેમની માતોન લોકોના ઘરે કામ કરવું પડતું હતં અને તે પોતે ૧૩ વર્ષની ઉંમરે અખબારો વેચતા હતા.
બેગ્લુરૂમાં ગરીબ પરિવારમાં જન્મેલા રમેશ બાબુએ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમના પિતા સલૂન ચલાવતા હતા. રમેશ બાબુ નાના હોવાથી તેમની માતાએ તેમના કાકાને સલૂન ચલાવવા માટે આપ્યું હતું. તેમને સલૂનમાંથી રોજના માત્ર પ૦ રૂપિયા ભાડા તરીકે મળતા હતા. રમેશ બાબુની માતા લોકોના ઘરે કામ કરતા હતા. એક સમયે તેમના ઘરની હાલત એવી હતી કે તેમને બે સમયનું ભોજન પણ મળતું ન હતું. ૧૩ વર્ષની ઉંમરે રમેશ બાબુએ શેરીમાં અખબાર વેચવાનું શરૂ કર્યું. તેમણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો.
૧૮ વર્ષની ઉંમરે રમેશ બાબુએ તેમના કાકા પાસેથી તેમનું સલૂન પાછું લીધું હતું. તેમણે તેમાં સુધારો કર્યો અને બે કારીગરોને રાખ્યા. સમસ્યા એ હતી કે કારીગરો સમયસર આવતા ન હતા. આ કારણે તેમનો ધંધો બગડતો ગયો. રમેશ બાબુને વાળ કેવી રીતે કાપવા તે આવડતું ન હતું. પરંતુ એક દિવસ એક ગ્રાહકે જીદ કરીને રમેશ બાબુએ તેમના વાળ કાપી નાંખ્યા. પછી રમેશ બાબુએ વાળ કાપવાની તેમની આવડત શોધી કાઢી અને તેઓ ખંતથી કામ કરવા લાગ્યા. તેમનું સલૂન સારું ચાલવા લાગ્યું. ટૂંક સમયમાં તે વિસ્તારમાં તેઓ ફેમસ થઈ ગયા.
૧૯૯૩માં હપ્તા પર મારૂચિ ઓમની કાર લીધી. થોડા સમય પછી આર્થિક સંકડામણના કારણે તેઓ હપ્તા ભરી શકયા નહોતા. રમેશની માતા જ્યાં કામ કરતા હતા તે ઘરના માલિકે રમેશને ભાડેથી કાર ચલાવવાની સલાહ આપી. આ સલાહ રમેશ માટે વરદાન બની ગઈ. તેમણે ભાડા પર કાર ચલાવવાનું શરૂ કર્યું જ્યારે તેમણે થોડા દિવસ કાર ચલાવી ત્યારે તેમને ખબર પડી કે જો કામ વિસ્તારવામાં આવે તો શહેરમાં ટેકસીનો ધંધો ચાલી શકે છે.
અગાઉ રમેશ બાબુ પોતે કાર ચલાવતા હતા. પછી તેમણે તેને વિસ્તારવાનું વિચાર્યું. સલૂન સારી રીતે ચલાવવાને કારણે અને ભાડેથી પોતાની કાર ચલાવવાને કારણે તેમણે કેટલાક પૈસા એકઠા કર્યા હતા. તેમણે બીજી કાર ખરીદી અને ડ્રાઈવર રાખ્યો. આ પછી તેમણે ધીરે ધીરે કારની સંખ્યા વધારવાનું શરૂ કર્યું જ્યારે રમેશ બાબુએ આ વ્યવસાયમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કર્યો ત્યારે તેમને ખબર પડી કે બેંગ્લોરમાં લકઝરી કાર ભાડે લેવાની ઘણી માંગ છે.
જ્યારે બિઝનેસ સારો થવા લાગ્યો તો તેમણે લકઝરી કાર ખરીદવાનું શરૂ કર્યું. હવે તેમની પાસે ૪૦૦ કાર છે, જેમાંથી ૧ર૦ લકઝરી કાર છે જેમાં રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબ્લ્યુ, ઓડી, જેગુઆર જેવી લકઝરી કારનો સમાવેશ થાય છે. કરોડોનો બિઝનેસ કર્યા પછી પણ રમેશ બાબુએ પોતાના સલૂનમાં કાપવાનું બંધ કર્યું નથી.