રૂ.૧૫.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી. ઉમરસાડી સબ સ્ટેશનનું ઊર્જા મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. દ્વારા રૂ.૧૫.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી. સબ સ્ટેશનનું નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ અવસરે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લામાં સબસ્ટેશન અને વિજલાઈનની સારી કામગીરી બદલ જેટકો અને વીજ કર્મીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનું સુકાન સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં વિકાસ કામોને વેગ મળ્યો છે.
ઉમરસાડી ખાતે સબ સ્ટેશન બનાવવામાં ગ્રામજનોનો સહકાર મળ્યો છે વીજળીના વધુ વપરાશને કારણે દેશની અને સમગ્ર વિશ્વમાં વીજળીની તંગી છે, ત્યારે સોલાર અને વિન્ડ પાવરની યોજનાને કારણે ગુજરાતમાં કોઈ મુશ્કેલીઓ પડી નથી. સરકારના દરેક પગલામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. સમગ્ર વલસાડ જિલ્લામાં અનેકવિધ વિકાસકામો થઈ રહ્યા છે જેમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં કીર્તિ મેળવી છે. આ સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે છે. સબસ્ટેશનના કારણે આ વિસ્તારમાં વીજપુરવઠો નિયમિતપણે મળી રહેશે.
જેટકો વડોદરાના ચીફ એન્જીનીયર કે.આર.સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરસાડી સબ સ્ટેશન રાજ્ય સરકારની પછાત વિસ્તારોના ખાસ વિકાસને ધ્યાને લઇ ટ્રાયબલ સબ પ્લાન ગ્રાન્ટ હેઠળ જનતાના વિકાસ અર્થે ઊભું કરવામાં આવ્યું છે.