Western Times News

Gujarati News

રૂ. ૧૮૦ કરોડનો હેરોઈનનો જથ્થો જપ્ત: પાંચ પાકિસ્તાની ડ્રગ માફિયાઓની ધરપકડ

જખૌના દરિયામાં ગુજરાત એટીએસ, એસઓજી અને કોસ્ટગાર્ડનું  સંયુક્ત ઓપરેશન 

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર હાઈ એલર્ટ પર છે આ ઉપરાંત નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદથી જાડાયેલું છે જેના પરિણામે ગુજરાતની સરહદ પર પોલીસ ઉપરાંત સુરક્ષાદળના જવાનો પણ સક્રિય હોય છે

 


આ દરમિયાનમાં ગઈકાલે ગુજરાતમાં કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનમાંથી ગુજરાતમાં લાવવામાં આવી રહયો હોવાની બાતમી મળતા જ પોલીસ તથા કોસ્ટગાર્ડ સક્રિય બની ગયું હતું આ દરમિયાનમાં જખૌના દરિયામાં શંકાસ્પદ હાલતમાં પ્રવેશેલી પાકિસ્તાનની બોટને અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂ.૧૮૦ કરોડની કિંમતના હેરોઈનના જથ્થા સાથે પાંચ પાકિસ્તાનના ડ્રગ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ, એસઓજી અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ માફિયાઓ દ્વારા અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી નશીલા દ્રવ્યોની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા પોલીસતંત્ર સક્રિય બનેલું છે ખાસ કરીને અન્ય રાજયોમાંથી આવતી ટ્રેનોમાં વિશેષ ચેકિંગ કરવામાં આવી રહયું છે સાથે સાથે ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહયું છે. ખાસ કરીને ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી ગુજરાતમાં લવાતો હોવાથી આંતરરાષ્ટ્રીય સરહદ પર વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે.

પંજાબ ઉપરાંત ગુજરાતમાં આ મુદ્દે તમામ એજન્સીઓ સક્રિય હોય છે આ દરમિયાન પાકિસ્તાનમાંથી હેરોઈનનો મોટો જથ્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં લાવવામાં આવી રહયો હોવાની વિગતો મળી હતી. પાકિસ્તાનના કરાંચી બંદરેથી એક બોટ ડ્રગ્સનો મોટો જથ્થો ભરી ગુજરાતના દરિયા કિનારે લાંગરવાની છે તેવી બાતમીના આધારે કોસ્ટગાર્ડે સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું હતું. કોસ્ટગાર્ડની સાથે ગુજરાત એટીએસ અને એસઓજીના અધિકારીઓ પણ જાડાયા હતાં ત્રણેય ટીમોના અધિકારીઓએ ગઈકાલ મોડી સાંજે જખૌના દરિયામાંથી પાકિસ્તાનની એક બોટને ઝડપી પાડી હતી આ બોટમાં મોટા પેકેટો પેકિંગ કરેલી હાલતમાં જાવા મળ્યા હતાં.

કુલ ૩પ પેકેટોમાં તપાસ કરતા તેમાંથી હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો તપાસ કરતા હેરોઈનના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૮૦ કરોડની કિંમત થવા જાય છે. સંયુકત ટીમે બોટમાંથી પાંચ ડ્રગ માફિયાઓને ઝડપી લીધા છે. પ્રાથમિક પુછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતમાં ઉતારીને તેને દેશભરમાં પહોંચાડવાનો હતો હાલમાં પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. બીજીબાજુ કેન્દ્રીય ટીમો પણ ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.