રૂ.૨ લાખની સામે એક વ્યાજખોરને ૩૫ લાખ અને બીજાને ૧૮ લાખ ચૂકવ્યા, ત્રાસથી કંટાળી વેપારીએ ઊધઈ મારવાની દવા પીધી
અમદાવાદ, અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. એકવાર વ્યાજ પર પૈસા લીધા બાદ વ્યક્તિ આ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાતી જાય છે. બમણાથી પણ વધારે રૂપિયા ચૂકવવા છતાં ઉઘરાણી બંધ થતી નથી.
શહેરના નિકોલમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરોને ૧ લાખની સામે ૩૫ અને ૧૮ લાખ આપવા છતાં ઉઘરાણી ચાલુ રહેતાં ત્રાસથી કંટાળીને ઊધઈ મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. જાેકે પરિવારજનોએ સમયસર હોસ્પિટલ લઈ જતાં તેનો બચાવ થયો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ હવે વેપારીએ બે વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી તથા ગાળા ગાળી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત મુજબ, નિકોલમાં રહેતા ૨૯ વર્ષના પરાગભાઈ (નામ બદલ્યું છે) ઓઢવ ખાતે સ્ટીલની દુકાન ધરાવે છે અને તેમને બે વર્ષનું બાળક છે. પરાગભાઈની ૨૦૧૫માં બાજુની સોસાયટીમાં રહેતા મુરારિલાલ મિશ્રા સાથે મુલાકાત થઈ હતી અને ધંધાર્થે પૈસાની જરૂર પડતાં રૂ.૧ લાખ વ્યાજે લીધા હતા. મુરારિલાલે આ માટે વ્યાજ નહીં લેવાનું કહ્યું હતું, જાેકે બાદમાં રોજેરોજ પરાગભાઈ પાસે પૈસાની માગણી કરતા અને પેસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપતો.
પરાગભાઈએ ટુકડે-ટુકડે મળીને કુલ રૂ.૨ લાખ આપવા છતાં મુરારિલાલ તેના માણસો મોકલીને પૈસાની ઉઘરાણી કરાવતો. જેથી પરાગભાઈને પિતાએ ૧૩ જુલાઈ ૨૦૧૯માં ૬.૪૦ લાખ તથા ૧લી માર્ચ ૨૦૨૧એ ૪ લાખ રોકડા આપ્યા હતા. આ બાદ ટુકડે ટુકડે ૪.૬૦ લાખ અને ૧.૭૦ લાખ વ્યાજ પેટે મુરારિલાલને આપ્યા. આમ, ૧ લાખની સામે કુલ ૧૮.૭૦ લાખની રકમ ચૂકવી છતાં ઉઘરાણી ચાલુ રાખી.
આ દરમિયાન પરાગભાઈની મુલાકાત મિત્રો મારફત ફાઇનાન્સની ઓફિસ ધરાવતા ઉમંગ પંચાલ સાથે થઈ હતી. પરાગભાઈએ ધંધા માટે વ્યાજે રૂ.૧ લાખ લીધા હતા. જાેકે ઉમંગ આ પૈસાની રોજના ૨૦૦૦ રૂપિયા લેખે ઉઘરાણી કરતો. પરાગભાઈએ આ માટે આજ સુધીમાં ટુકડે ટુકડે ૧૫ લાખ ઉંમગને ચૂકવ્યા છે. બે વર્ષ અગાઉ ઉમંગે પૈસા માટે નિકોલ સર્કલ પાસે પરાગભાઈને માર માર્યો હતો.
આટલું જ નહીં, આ શિવરાત્રિએ ઉમંગે જબરદસ્તી પરાગભાઈના નામ પર નવું એક્ટિવા છોડાવ્યું અને પોતે ચલાવવા માટે લઈ ગયો, જેના હપતા પણ પરાગભાઈ ભરે છે. બાદમાં પરાગભાઈના કાકાએ ઉંમગને ૪ લાખ આપ્યા, પછી ૧૩ જુલાઈએ ૨૦૧૯ના રોજ અઢી લાખ. પરાગભાઈના પિતાએ ૧.૪૦ લાખ તથા બે લાખ તથા વ્યાજ પેટે અલગથી ૮.૩૦ લાખ ચૂકવ્યા.
ત્યાર બાદ ફરી બે વખત ૧-૧ લાખ અને પછી ૪૮ હજાર ચૂકવ્યા. આમ, ૧ લાખ વ્યાજના પૈસા સામે ૩૫.૬૮ લાખ ચૂકવ્યા.
આમ બંને વ્યાજખોરોથી ત્રાસી જઈને પરાગભાઈએ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ દહેગામ કેનાલ પાસે ઊધઈ મારવાની દવા પી લીધી. જાેકે તેમના મોટા પપ્પાનો ફોન આવતાં તેમણે દવા પીધાનું જણાવ્યું હતું, જેથી પરિવારજનો તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા હતા. પરાગભાઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાતાં તેઓ બચી ગયા હતા.
આ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને તેમણે મુરારિલાલ મિશ્રા અને ઉંમગ પંચાલ નામના બંને વ્યાજખોરો સામે વધુ વ્યાજ માટે જામથી મારી નાખવાની ધમકી આપવી, ગાળા ગાળી કરવી તથા માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.HS