રેતી અને ભૂમાફિયાઓ ઉપર ભરૂચ તંત્રનો સપાટો
ભરૂચના શુકલતીર્થ – મંગલેશ્વર રોડ પરથી વાહનો કબ્જે કરી ૨.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેરકાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલ આંખ કરતા ભરૂચ પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી.જેમાં ટીમે ગેરકાયદેસર અને ઓવરલોડ ૯ ડમ્પર અને ૧ ટ્રેકટર સીઝ કરી શુકલતીર્થ આઉટ પોસ્ટ ખાતે જમા કરાવી ખાણ ખનિજ વિભાગની ટીમને બોલાવી કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં વિપુલ પ્રમાણમાં વિવિધ ખનીજ આવેલા છે.જેના પગલે રેતી અને ભૂમાફિયાઓ દ્વારા બેફામ લૂંટ ચલાવવામાં આવે છે.જેના પગલે સરકારની તિજોરીને નુકશાન પહોંચી રહ્યું છે.ત્યારે ભરૂચના શુકલતીર્થના નદી કિનારે નર્મદા નદી માંથી ગેરકાયદેસર રેતી કાઢવાનું ચાલી રહ્યું છે.જે માટે અનેક વખતે રજુઆતો કરવામાં આવી હતી કે
આ માર્ગ પરથી પસાર થતા ઓવરલોડ વાહનો પુર ઝડપે ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી હોય તેની રજુઆતો ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી મળી હતી.જેથી તેઓ ગતરોજ શુકલતીર્થ રોડની આકસ્મિક મુલાકાત કરવા માટે નીકળ્યાં હતા.આ સમયે રાત્રીનાં શુક્લતીર્થ-મંગલેશ્વર ગામ નજીક સરકારી ગાડીઓ જોતા ગેરકાયદેસર રેતીનું વહન કરતાં વાહન ચાલકો ગાડીઓ બંધ કરી મૂકીને ભાગી ગયા હતાં.
જેની પ્રાંત અધિકારીએ તપાસ કરતાં તેમાં ઓવરલોડ રેતી ભરી હતી.જેથી તેમણે તાત્કાલિક ભૂસ્તર વિભાગને જાણ કરતાં તેઓ પણ સ્થળ દોડી આવ્યા હતા.ભરૂચ પ્રાંત કચેરી અને તેમની ટીમ દ્રારા આ તપાસ દરમ્યાન ૯ ડમ્પર તેમજ૧ ટ્રેક્ટર-ટ્રેલર મળી કુલ ૧૦ વાહનો જપ્ત કરી ૨.૪૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી શુક્લતીર્થ આઉટ પોસ્ટમાં જમા કરાવ્યા હતાં.આ અંગે વધુ તપાસ કરવા ભરૂચ ખાણ ખનિજની ટીમોને સૂચના આપવામાં આવી હતી.
ભરૂચના પ્રાંત અધિકારીના અચાનક ચેકીંગથી ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરતા ભૂમાફિયાઓ અને ઓવરલોડ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.પરંતુ આવી કાર્યવાહી કાયમ માટે કરવામાં આવે તો સરકારની તિજોરીમાં રોયલ્ટી ની આવકમાં વધારો થાય અને ગેરકાયદેસર ખનન અટકે તો નર્મદા નદીને પણ નુકશાન થતું અટકી શકે છે.