Western Times News

Gujarati News

રેતી માફિયાઓએ કારમાં સવાર ૨ મિત્રોની ડમ્પરથી કચડીને ઘાતકી હત્યા કરી

રાજસમંદ, રાજસમંદ જિલ્લાના દેવગઢમાં રેતીથી ભરેલા ઓવરલોડ ડમ્પરે કારને ટક્કર માર્યા પછી રેતી માફિયાઓએ બે મિત્રોની ર્નિદયતાથી હત્યા કરી છે. કારમાં બેઠેલા તેના અન્ય ત્રણ સાથીઓએ મહા મુસીબતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ પછી ડમ્પર ચાલક ત્યાંથી રેતી ખાલી કરીને નાસી ગયો હતો. આ સાથે ડમ્પરને લઈને નીકળેલા સ્કોર્પિયો સવારો પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઘટના બાદ પરિવારજનોએ દેવગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. પરિવારે ડમ્પર ચાલક સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમણે કમલીઘાટ પોલીસ ચોકીને બરતરફ કરવાની માંગ કરી હતી. લોકોએ કમલીઘાટ પોલીસ પર રેતી માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો છે.

એસએચઓ શૈતાન સિંહ નાથાવતે જણાવ્યું કે દેવગઢના ગુર્જર કા દરવાજાના રહેવાસી પવન ગુર્જર (૨૭) અને દોલપુરાના રહેવાસી મહેન્દ્ર મેવાડા (૨૫)નું આ ઘટનામાં મોત થયું છે. તેના સાથી નૈનાલાલ ગુર્જર, દિનેશ ગુર્જર અને વિષ્ણુ ગુર્જર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતા. પવન કોંગ્રેસનો કાર્યકર હતો અને મહેન્દ્ર મેવાડા કરિયાણાનો વેપારી હતો.આ પાંચેય મિત્રો શનિવારે કારમાં મેવાડ ભવન ગયા હતા.

શનિવારે રાત્રે સાડા દસ વાગ્યે તેઓ ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. રેલ્વે ફાટક વળાંક પર એક રેતી ભરેલ ઓવરલોડ ડમ્પરે કારને કટ મારીને ક્રોસ કરી હતી. આ અંગે કારના યુવકોએ ડમ્પર ચાલકને યોગ્ય રીતે વાહન ચલાવવાનું કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

ડમ્પર ચાલક અને તેના સાગરિતો સહિત સ્કોર્પિયો સવાર યુવકોએ કહ્યુ કે રેતીનું ભરેલું ડમ્પર આવી જ રીતે ચાલે છે. અમે તો આવી જ રીતે ચલાવીશું.

બોલાચાલી બંધ કર્યા બાદ પાંચેય મિત્રો કારમાં બેસી ઘરે જવા રવાના થયા હતા. લગભગ એક કિલોમીટર આગળ પહોંચીને તેણે કમલીઘાટ ઈન્ટરસેક્શન પર ઓસ્વાલ-વે બ્રિજ પાસે રોડ કિનારે કાર રોકી હતી. નૈનાલાલ, દિનેશ અને વિષ્ણુ કારમાંથી નીચે ઉતરીને ટોયલેટ ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે કારને ટક્કર મારી હતી. ડમ્પર કારને ખેંચીને પોતાની સાથે લઈ ગયો હતો.

જેના કારણે કારમાં બેઠેલા પવન અને મહેન્દ્રને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં સ્થળ પર જ ડમ્પર ચાલક ત્યાં જ રેતી ખાલી કરીને ભાગી ગયો હતો. તે જ સમયે ડમ્પરને એસ્કોર્ટ કરી રહેલી સ્કોર્પિયો પણ નાસી છૂટી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને યુવકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

સવારે મૃતકોના પરિવારજનો અને લોકો મોટી સંખ્યામાં દેવગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમણે ઘટનાસ્થળથી ૫૦૦ મીટર દૂર સ્થિત કમલીઘાટ ચોકીના પોલીસકર્મીઓ પર રેતી માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો અને તેમને હટાવવાની માંગ કરી.

વધી રહેલા વિવાદને જાેઈને એએસપી શિવલાલ બૈરવા, ભીમ ડીએસપી રાજેન્દ્ર સિંહ, દેવગઢના એસએચઓ શૈતાન સિંહ, અમેટ એસએચઓ પ્રેમ સિંહ, ભીમ એસએચઓ ગજેન્દ્ર સિંહ, દિવેર એસએચઓ દિલીપ સિંહ મય ઘટનાસ્થળે પહોંચ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે કારને ટક્કર મારનાર ડમ્પરમાં ડ્રાઈવર તારાચંદ્ર અને તેનો પાર્ટનર શ્રવણ સિંહ બેઠા હતા. એસ્કોર્ટ સ્કોર્પિયોમાં નરેન્દ્ર સિંહ નામનો યુવક હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.