રેમડેસિવિર ઈન્જેકશનના મુદ્દે SVP હોસ્પિટલ કેમ્પસમાં લોકોનો હોબાળો
સતાધીશો બારોબાર વહીવટ કરી લેતા હોઈ કોને ઈન્જેકશન આપ્યા તેની વિગતો જાહેર કરવા માંગણી કરી
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં કોરોનાના કહેરના પગલે રેમડેસિવિર ઈન્જેકશનની ભારે તંગી વર્તાઈ રહી છે. ત્યારે મંગળવારે એસવીપી હોસ્પીટલ બહાર લોકોએ રેમડેસિવિરને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. એસવીપીમાં ઈન્જેકશન લેવા માટે આવતા લોકોને ચાર-પાંચ દિવસથી વિવિધ બહાના આપી ધક્કા-ખવડાવતા હોવાના લીધે લોકો વિફર્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પીટલના ખાલી બેડ, ઓક્સિજન, ૧૦૮ અને રેમડેસિવિર ઈન્જેકશનની ભારે તંગી વર્તાઈ રહી છે. રેમડેસિવિર ઈન્જેકશન માટે તો લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હોવાના ચિત્રો પણ સામે આવ્યા છે.
હવે આ ઈન્જેકશનને લઈને કોરોનાના દર્દીઓના સગાઓએ એસવીપી હોસ્પીટલ કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો. તેમના કહ્યા અનુસાર તેઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી ઈન્જેકશન લેવા માટે હોસ્પીટલ જાય છે પરંતુ તેમને વિવિધ બહાના કાઢી પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. મંગળવારે હોબાળો મચાવ્યો હતો.
કોરોનાના દર્દીઓના સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કેે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા રેમડેસિવિરનો બારાબાર વહીવટ કરાતો હોવાના લીધે દર્દીઓને ઈન્જેકશન મળી રહ્યા નથી. અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કયા કયા દર્દીને રેમડેસિવિર અપાયા તેનુ લીસ્ટ જાહેર કરાય એવી માંગણી કરી હતી.