Western Times News

Gujarati News

રેમડેસિવીર ઈન્જેક્શન કૌભાંડ મામલે આઠ લોકો સામે ગુનો નોંધાયો

અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડેલા રેમડેસિવીર ઈન્જેક્શન કૌભાંડ મામલે હવે આઠ લોકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વેજલપુર મકરબાની ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને કમિશન એજન્ટ સહિત આઠ લોકો સામે ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, બાંગ્લાદેશના શબ્બીર નામના શખ્સ પાસેથી કરોડોના ઈન્જેક્શન આયાત કર્યા હતા અને સુરતમાં અનેક દર્દીઓ અને ડાૅકટરોને ઊંચા ભાવે આપ્યા હતા. બાંગ્લાદેશથી બે વાર ગુજરાતમાં ઈન્જેક્શન મંગાવ્યા હોવાનું પણ આરોપીઓના લીધેલા નિવેદનમાં સામે આવ્યું છે.

આ ટોળકી મૂળ કિંમતને ભૂસી ઊંચી કિંમત પર ઈન્જેક્શન વેચતા હતા અને આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વસ્ત્રાપુરમાં રહેતો સંદિપ માથુકિયા કે જે, મુખ્ય કમિશન એજન્ટ તરીકે પણ કામ કરતો હતો તે જ હતો. સંદીપે જ સુરતમાં પિતરાઈ ભાઈ યશના ઘરે ઈન્જેક્શન મૂક્યા
હતા અને ત્યાં અનેક લોકોને ડિલિવરી પણ અપાવી હતી.

સાબરમતીમાં રહેતા આશિષ બસેટા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં ઔષધ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે. સુરતમાંથી તાજેતરમાં રેમડેસિવીર ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં બોગસ ગ્રાહક ઉભો કરી આ કૌભાંડ સામે લાવવામાં આવ્યું હતું. હકીકત એવી સામે આવી હતી કે, મુખ્ય આરોપી સંદીપ માથુકિયા સાથે આ બે ઈન્જેક્શનની ૩૬ હજારમાં ડિલ થઈ હતી અને આ ઈન્જેક્શન સંદીપે તેના ભાઈ યશકુમાર સાથે મોકલ્યા હતા. જેમાં તે ઝડપાઈ ગયો હતો. આ યશકુમારની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે, ઈન્જેક્શનના બોક્સ પર બાંગ્લાદેશના ચલણમાં લખેલી કિંમત ભૂસી નાખી ઊંચી કિંમત લખી આ કૌભાંડ આચરવામાં આવતું હતું. યશકુમાર પાસેથી બાંગ્લાદેશના ઉત્પાદિત એવા રેમડેસિવીર અને એકટમેરા ઈન્જેક્શનનો જથ્થો કબ્જે કરાયો હતો.

વધુ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સંદિપ માથુકિયા મકરબામાં આવેલી નીલકંઠ એલીક્સિર નામની ફાર્માસ્યુટિકલ કંપનીના પાર્થ ગોયાણી પાસેથી મેળવતો હતો. બાદમાં આ મામલે તપાસ કરાતા આ કંપની પર ટિમ પહોંચી હતી. જ્યાં પેઢીના ભાગીદાર દર્શન સોની અન્ય ભાગીદાર વૈશાલીનો પતિ પાર્થ ગોયાણી અને સંદીપ માથુકિયા મળી આવ્યા હતા. પેઢીની તપાસમાં દવાના જથ્થાબંધ ખરીદ વેચાણના પરવાના ધરાવતી હોવાનું સામે આવ્યું હતું, પણ પેઢી પાસે ઈમ્પોર્ટ કરવાનું લાયસન્સ નથી. જેથી પેઢીમાંથી આ બાંગ્લાદેશના ઉત્પાદિત ઈન્જેક્શનનો જથ્થો કબ્જે કરી બરોડા ડ્રગ લેબમાં મોકલી આપ્યો હતો.

બાદમાં પેઢીના પાર્થએ કબૂલાત કરી કે, આ ઈન્જેક્શનનો જથ્થો તેને બાંગ્લાદેશના શબ્બીર અહેમદ પાસેથી ૭ જુલાઈએ ખરીદ્યો હતો. બાંગ્લાદેશથી અગરતલા અને બાદમાં અમદાવાદ આ માલ પહોંચ્યો હતો. બોપલની પી.એમ.આંગડિયા મારફતે કલકત્તા ખાતે પેમેન્ટ પણ કર્યું હતું.આ સિવાય તપાસમાં અને આરોપીઓના નિવેદનમાં એ પણ સામે આવ્યું હતું કે, કમિશન એજન્ટ સંદીપ દ્વારા સુરતમાં અનેક ડોકટર્સ અને પેશન્ટને ઊંચી કિંમતે આ ઈન્જેક્શન વગર બિલે આપ્યા હતા. આરોપીઓ માત્ર એક જ બ્રાન્ડ નહિ પણ અલગ અલગ બ્રાન્ડની દવાઓ અને ઈન્જેક્શનો મંગાવતા હોવાનું સામે આવ્યું છે. અને તે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો માટે જાેખમી છે.

આમ, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ લોકોના નિવેદન લીધા બાદ નીલકંઠ એલીક્સિર નામની ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર વૈશાલી પાર્થ ગોયાણી, દર્શન સોની, શેખર અદરોજા, પાર્થ ગોયાણી, સંદિપ માથુકિયા, યશકુમાર માથુકિયા, ઈન્જેક્શન આપનાર બાંગ્લાદેશના શબ્બીર અહેમદ સામે ગુનો નોંધ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે આઈપીસી ૩૪,૧૨૦મ્, ૩૦૮, ૪૧૮ તથા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન નિયમ કલમ ૧૦૪છ તથા ઔષધ ભાવ નિયમન આદેશ કલમ ૨૬ તથા ઔષધ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમ ૧૮છ, ૧૮ (ષ્ઠ), ૧૮મ્, ૨૮, ૨૮છ, ૧૦(ષ્ઠ),૨૭,૧૮ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.