Western Times News

Gujarati News

રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલ પટેલ

ગુજરાત કોવીડ ટાસ્કફોર્સના નિષ્ણાત ડોક્ટર્સની કોન્ફરન્સ- રાજ્યની કુલ વસ્તીના ૭૦ ટકા વસ્તીનું વેક્સિનેશન થાય તે ઈચ્છનીય : ડો.તુષારભાઈ પટેલ – સભ્ય, ગુજરાત કોવીડ ટાસ્ક ફોર્સ

કોવીડ વાયરસની સંક્રમણ-સાંકળ તોડવામાં વેક્સિન અસરકારક ઈલાજ : ગુજરાત કોવીડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.અતુલભાઈ પટેલ

દેશમાં અને ગુજરાતમાં જ્યારે કોવીડના કેસ વધી રહ્યા છે ત્યારે “ગુજરાત કોવીડ ટાસ્કફોર્સ”ના  સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોવીડ વાયરસની સંક્રમણ-સાંકળ તોડવામાં વેક્સિન એ જ અસરકારક ઈલાજ છે. ડો. પટેલે કહ્યું કે, વેક્સિનના બે ડોઝ લીધા હોય તે કિસ્સામાં વ્યક્તિમાં ચેપની શક્યતા ઘટી જાય છે.

ડો. પટેલે અમદાવાદમાં પત્રકારોને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, કોવીડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસીવર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી.રેમડેસિવીરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.

રેમડેસિવીરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવીર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમ જ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે  છે. ડો. પટેલે ઉમેર્યું હતું કે ,સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સામાં  કિસ્સાઓમાં રેમડેસિવીરનો ઉપયોગ થઈ રહ્યો છે તે ઠીક નથી.

ડો. પટેલે કોવીડ સંક્રમણના નવા વેરિઅન્ટ્સ અંગે ચેતવતા કહ્યું કે, આ વેવમાં યુવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે, તેમ જ સમગ્ર પરિવાર તેનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ એ અત્યંત અનિવાર્ય છે. તેમણે પ્રજાજનોને અપીલ કરતા કહ્યું કે, સામાજિક મેળાવડાઓમાં જવાનું ટાળો.

શ્રી અતુલભાઈ પટેલે ત્રણ બાબતો પર ભાર મૂક્યો – ૧. સોશિયલ ડિસ્ટન્સિંગ૨. સેનિટાઈઝેશન ૩. માસ્ક પહેરો. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ સૌથી વધારે અગત્યનું પરિબળ છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડો. તુષારભાઈ પટેલે લોકોને વેક્સિનેશનના અભિયાનમાં જોડાવા અપીલ કરતા કહ્યું હતું કે કુલ વસ્તીના ૭૦ ટકા વસ્તીનું વેક્સિનેશન થાય તે ઈચ્છનીય છે. ડો. તુષારભાઈએ વેકિસન બાદ દર્દીઓને તાવ આવવો, માથુ દુખવુ કે અન્ય કોઈ લક્ષણોને સામાન્ય ગણાવતા કહ્યું કે ખરેખર તો આ રસીની આડઅસર નથી, પણ અસર છે. તેથી લોકોએ ગભરાવું ન જોઈએ.

આ અવસરે ઉપસ્થિત ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, રેમડેસિવીરના ઈન્જેકશનની અછત નથી. અને આજની સ્થિતિએ કુલ ૫૪ હજારથી વધુ ઈન્જેકશનનો જથ્થો ઉપ્લબ્ધ છે.તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ ઈન્જેકશન હોસ્પિટલને  સ્ટોકિસ્ટ અને ડિસ્ટ્રીબ્યુટર થકી જ ઉપ્લબ્ધ બને છે.જો કે, તેના પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ૫૦ દુકાનોને ઓથોરાઈઝ્ડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.