રેલવેએ બેબી બર્થ’ની શરૂઆત કરી
નવી દિલ્હી, જયારે માતા તેનાં નાના બાળકોને લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેનની સીટ એક માણસ માટે બરાબર હોય છે. પરંતુ જયારે માતા તેના બાળકને બાજુમાં સુવડાવે છે ત્યારે ટ્રેનની સીટમાં જગ્યા રહેતી નથી. તો આ સાથે જ બાળકને કોર્નર પર સુવડાવાથી પડી જવાનું પણ જોખમ રહે છે. આ સ્થિતિમાં માતાઓએ જાગવું પડે છે.
હાલમાં ઇન્ડિયન રેલવે દ્વારા માતાઓની આ સમસ્યાને દૂર કરવા માટે ‘બેબી બર્થ’ની શરૂઆત કરી છે. ‘બેબી બર્થ’ સીટ એટલે કે સીટની બહાર બાજુ એક નાની સીટ હશે, જેમાં બાળકોને સુવડાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાના બાળકો માટે માતાની બર્થ સાથે જોડાયેલ અલગ બર્થનો કોન્સેપ્ટ તદ્દન નવો છે. વિશ્વમાં આ પ્રકારની બેબી બર્થ બીજે ક્યાંય નથી. શરૂઆતમાં રેલવેએ ટેસ્ટિંગ તરીકે શરૂઆત કરી છે. જો તેને સારો પ્રતિસાદ મળશે તો આગામી સમયમાં તેને વધુ ટ્રેનોમાં લાવવામાં આવશે. બેબી બર્થને લોઅર બર્થમાં જોડવામાં આવશે.
રેલવેએ આ વિશેષ સુવિધા ‘મધર્સ ડે’ના ખાસ દિવસે શરૂ કરી છે. ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના DRMએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વિટમાં તેમણે કહ્યું કે શરૂઆતમાં દિલ્હીથી લખનૌ જતી ટ્રેન લખનૌ મેલમાં આ સુવિધા આપવામાં આવી છે.’બેબી બર્થ’માં સ્ટોપર પણ લગાવવામાં આવી છે, જેથી બાળકોને પડતા બચાવી શકાય. આ સીટને ઉપર-નીચે પણ કરી શકાય છે.