રેલવેએ સુશીલ કુમારને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો
નવીદિલ્હી, જૂનિયર રેસલર સાગર ધનખડ મર્ડર કેસ ફસાયેલા ઓલિમ્પિયન સુશીલ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરી રેલવેએ સુશીલ પર લાગેલા હત્યાના આરોપ બાદ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. નોર્ધન રેલવેના પ્રવક્તા દીપક કુમાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
આ પહેલા દિલ્હી સરકારે સુશીલ કુમાર તરફથી આપવામાં આવેલ એક્સટેન્શન અરજીને નકારી દીધી હતી. સરકાર તરફથી તેને ઉત્તર રેલવે વિભાગમાં મોકલી આપવામાં આવ્યું જ્યાં તે કાર્યરત હતો. સુશીલ દિલ્હી સરકારમાં ૨૦૧૫થી ડેપ્યુટેશન પર હતો અને તેનો કાર્યકાળ ૨૦૨૦ સુધી વધારી દેવામાં આવ્યો પરંતુ તે ૨૦૨૧ સુધી તેને વધારવા ઈચ્છતો હતો.
હત્યા કેસમાં ધરપકડ બાદ સુશીલને મળેલ પદ્મ પુરસ્કાર પર પણ ખતરો ઉભો થયો છે. પરંતુ આ વિશે કોર્ટનો ર્નિણય આવ્યા બાદ ગૃહ મંત્રાલય આગામી પગલું ભરી શકે છે. સુશીલ કુમારનું રમત ક્ષેત્રમાં યોગદાન માટે ૨૦૧૧માં પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ૪ મેએ રેસલર સાગર ધનખડ અને તેના મિત્રો પર હુમલો થયો હતો.