રેલવેના બે કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા
મહેસાણા, અમદાવાદથી દિલ્હી તરફ જતી રાજધાની એક્સપ્રેસમાંથી આસિસ્ટન્ટ હેલ્પર અને ડેપ્યુટી ચીફ ઈન્સ્પેક્ટર ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.
ગાંધીનગર એસીબીની (એન્ટી-કરપ્શન બ્યૂરો) ટીમે ટ્રેપ ગોઠવીને બંનેએ ત્રણ મુસાફરો પાસેથી વગર ટિકિટે પાલનપુર સુધી જવા માટે ૫૦૦ રૂપિયાની લાંચ લીધી હતી.
મળેલી માહિતી પ્રમાણે, ગાંધીનગર એસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદથી અન્ય જિલ્લાઓ તેમજ રાજ્યોમાં જતી ટ્રેનમાં ટિકિટ ચેકર સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ટિકિટ વગર મુસાફરી કરતાં લોકો પાસેથી લાંચ લેતા હોય છે.
બાતમીની સત્યતા ચકાસવા માટે સોમવારે એસીબીએ અમદાવાદથી દિલ્હી તરફ જતી રાજધાની એક્સપ્રેસમાં છટકું ગોઠવ્યું હતું. રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી ઉપડીને મહેસાણા પહોંચી તે દરમિયાન ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સપેક્ટર કમલેશ રાધાશ્યામ શર્મા અને આસિસ્ટન્ટ હેલ્પર (ઈલેક્ટ્રિશિયન) રૂપેશગીરી મનોહરગીરી ગોસ્વામીએ એસીબીએ ગોઠવેલા ત્રણ સહાયકને ટિકિટ વગર પકડ્યા હતા.
ત્રણેય પાસે ટિકિટ ન હોવાનું જાણ્યા બાદ પતાવટ કરવા માટે કમલેશ અને રૂપેશગીરીએ લાંચ પેટે ૫૦૦-૫૦૦ રૂપિયા માગ્યા હતા.
આ દરમિયાન એસીબીની ટીમ અન્ય ડબ્બામાં રાહ જાેઈ રહી હતી. એસીબીના ત્રણેય સહાયકોએ ૧૫૦૦ રૂપિયા આપ્યા હતા અને બંને કર્મચારીઓને તેમના ખીસાામાં મૂકી દીધા હતા.
આ સમયે એસીબીની ટીમ આવી હતી અને બંનેને રંગેહાથ પકડી પાડ્યા હતા. ટ્રેપમાં સામેલ એસીબી પોલીસ સ્ટેશનના અધિકારી એસ.ડી. ચૌધરી અને ટીમે લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા. મહેસાણા રેલવે જંક્શન પર લાંચ લેતા પકડાયેલા બંનેને આગળની કાર્યવાહી કરવા માટે પાલનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં તેમની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ પ્રમાણે કાર્યવાહી કરી હતી. મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાં લાંચ લેવાનો પ્રથમ કિસ્સો બન્યો હતો.SSS