રેલવેમાં નોકરી આપવાનું કહી યુવકની સાથે લાખોની ઠગાઈ
અમદાવાદ, રેલવેમાં નોકરી આપવાનું કહીને યુવક સાથે લાખોની ઠગાઈ થઈ હોવાની બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાપુનગરના યુવક પાસેથી પૈસા લઈ દિલ્હીમાં રેલવેમાં નોકરી માટે બોલાવ્યો હતો. ત્યાં તેને ટ્રેનિંગ આપી હતી અને ઓફર લેટર પણ આપ્યો હતો.
ત્યારબાદ તેને અમદાવાદ રેલવે સ્ટેશન પર બદલી થયાનો લેટર આપ્યા બાદ ઠગે ફોન બંધ કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઈન્દ્રદેવ રામનરેશ મિશ્રા પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના નાના દીકરા સુમિતના મિત્ર નિતેશ શર્માને મલય ચોકસી નામના યુવકે રેલવે ગાઝિયાબાદ ખાતે નોકરી લગાવ્યો હતો. જેથી ઈન્દ્રદેવને તેમના દીકરાને રેલવેમાં નોકરી લગાવવવાનો હોવાથી તેમણે મલય ચોકસીનો સંપર્ક કર્યો હતો.
દરમિયાન ૨૨ માર્ચ ૨૦૨૧ના રોજ મલય ચોકસી ઈન્દ્રદેવના ઘરે આવ્યો હતો અને પોતાનો રિટાર્યડ નેવી ઓફિસર જણાવીને દિલ્હી પાર્લામેન્ટ્રીમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ઓળખ આપી આઈકાર્ડ પણ બતાવ્યું હતું. મલયે જણાવ્યું હતું કે, અમદાવાદમાંથી ઘણા છોકરાઓને રેલવેમાં માલ ગોદામાં શ્રમિક સંઘ ખાતામાં નોકરી અપાવી છે.
જેથી દીકરાને નોકરી અપાવવી હોય તો ૧.૯૫ લાખ આપવા પડશે. જેથી ઈન્દ્રદેવે મલય પર વિશ્વાસ રાખીને બેંકમાંથી ૫૦૦૦૦ આપ્યા હતા. ત્યારબાદ બાદ મલય ફરીથી તેમના ઘરે આવ્યો હતો અને મોટા દીકરા અમિત મિશ્રાને એક ટ્રાવેલ્સની ૩ ટિકિટ આપી દિલ્હી બોલાવ્યા હતા.
પહેલી એપ્રિલ ૨૦૨૧ના રોજ અમિત સહિત ૩ વ્યક્તિઓ દિલ્હી આવ્યા હતા જ્યાં મલયે બાકીના પૈસા આજે ભરવા પડશે તેમ જણાવી ૧ લાખ રૂપિયા લઈ લીધા હતા અને બાદમાં વિક્રમભાઈ અને એક મહિલા સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ તેનું ઈન્ટરવ્યુ પછી એક ફોર્મ ભરાવીને ટ્રેનિંગ માટે રાજઘાટ લઈ ગયા હોવાથી સુમિત ત્યાં રોકાયો હતો અને બે વ્યક્તિ અમદાવાદ પરત આવી ગયા હતા.