રેલવે અકસ્માતમાં ૮ હજારથી વધુના મોત,સૈાથી વધારે પરપ્રાંતિય મજૂરોના મોત
નવીદિલ્હી: ગયા વર્ષે કોરોનાને લીધે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ટ્રેનો મહિનાઓ સુધી બંધ રહી હતી તે છતાંપણ ૮,૭૩૩ લોકોએ ટ્રેક પર પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ માહિતી આપતાં રેલવેએ જણાવ્યું હતું કે, ટ્રેનની હડફેટમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો સ્થળાંતર કામદાર હતા. મધ્ય પ્રદેશના આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્ર શેખર ગૌરની પૂછપરછના જવાબમાં રેલવેએ જાન્યુઆરી ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ સુધીના ટ્રેન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાઓની વિગતો આપી છે.
દેશભરના રાજ્યોની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ટ્રેન દ્વારા ટક્કર માર્યા બાદ ૮,૭૩૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૮૦૫ લોકો ઘાયલ પણ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરપ્રાંતિય કામદારોમાં મૃત્યુઆંક વધુ છે. ઘણા લોકોએ ઘરે પરત જવા માટે રેલ્વે ટ્રેક માર્ગ પસંદ કર્યો હતો કારણ કે આ માર્ગ ટૂંકો હોય છે.ગયા વર્ષે મુસાફરોની ટ્રેનો લાંબા સમય સુધી દોડતી ન હતી પરતું ગુડ્સ ટ્રેનો ટ્રેક પર દોડતી હતી.
રેલ્વેએ ૨૫ માર્ચથી પેસેન્જર ટ્રેનો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે જુદા જુદા શહેરોમાં ફસાયેલા કામદારો માટે ૧ મેથી વિશેષ શ્રમિક ટ્રેનો શરૂ કરી હતી. ધીરે ધીરે ટ્રેનોની સંખ્યા વધારી હતી. ડિસેમ્બર સુધીમાં, ૧,૧૦૦ વિશેષ ટ્રેનો અને ૧૧૦ નિયમિત ટ્રેનો દોડવા માંડી હતી. કોરોના પહેલાંની સ્થિતિની તુલનામાં અત્યાર સુધીમાં ફક્ત ૭૦ ટકા સેવાઓ નિયમિત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ૧૬ મજૂરો માલગાડી નીચે કપાઇ ગયા હતા તે ખુબ દર્દનાક હાદસો હતો. આ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા અને ટ્રેનો બંધ છે એવું વિચારીને ટ્રેક પર સૂઈ ગયા હતા અને આ ઘટના ઘટી હતી. રેલ્વેના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન કુલ ૫૬,૨૭૧ લોકો મૃત્યુ અને ૫,૯૩૮ લોકો ઘાયલ થયા છે. ૨૦૧૬ માં, ૧૪,૦૩૨ લોકો મૃત્યુ પામ્યા હતા, ૨૦૧૭ માં ૧૨,૮૩૮, ૨૦૧૮ માં ૧૪,૧૯૭ અને ૨૦૧૯ માં ૧૫,૨૦૪ લોકો મૃત્યુ પામ્યા હતા. જાે કે રેલ્વે આ મોતને રેલ્વે અકસ્માત માનતો નથી.રેલવે એ અકસ્માતોને ત્ અનએપેક્ષિત,રેલ્વે ક્રોસિંગ, અને આપત્તિમાં વર્ગીકૃત કરી છે.