રેલવે પરિસર અને ચાલતી ટ્રેનોમાં ૩ વર્ષમાં ૧૬૫ મહિલા સાથે દુષ્કર્મ
નવીદિલ્હી, ત્રણ વર્ષમાં ટ્રેનો, રેલવે પરિસરમાં દુષ્કર્મના ૧૬૫ બનાવ સામે આવ્યા છે. આ દરમિયાન લૂંટના ૪૭૧૮ જ્યારે હત્યાના ૫૪૨ કેસ સામે આવ્યા. આરટીઆઇ કાર્યકર ચંદ્રશેખર ગૌડની આરટીઆઇ અરજીના જવાબમાં આ માહિતી અપાઇ. આરટીઆઇમાં જણાવ્યા અનુસાર ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન રેલવે પરિસરમાં દુષ્કર્મની ૧૩૬ જ્યારે ચાલતી ટ્રેનમાં ૨૯ ઘટના બની. ૨૦૧૭માં સામે આવેલા ૫૧ કેસની તુલનાએ ૨૦૧૮માં ૭૦ અને ૨૦૧૯માં ૪૪ કેસ સામે આવ્યા.
આ ગાળામાં મહિલાઓ વિરુદ્ધના અન્ય ગુનાના ૧૬૭૨ કેસ પણ નોંધાયા. તેમાંથી ૮૦૨ બનાવ રેલવે પરિસરમાં જ્યારે ૮૭૦ ચાલતી ટ્રેનમાં બન્યા. ગયા મહિને એક સવાલના જવાબમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ૩ વર્ષમાં અપહરણના ૭૭૧ કેસ નોંધાયા છે.