રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમની સતર્કતાથી મોબાઇલ ચોર પકડાયો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ની ટીમની સતર્કતાને કારણે 28 ઓગસ્ટ 2021 ના રોજ અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક મોબાઇલ ચોર પકડાયો હતો.
મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે તારીખ 28 ઓગસ્ટ 2021 ના રોજ શ્રી નવીન કુમાર ટ્રેન નંબર 09707 અરાવલી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનના કોચ S/7 માં મુસાફરી કરી રહ્યા હતા, મુસાફરી દરમિયાન તેમનો મોબાઈલ વડોદરા અને અમદાવાદ વચ્ચે ચોરાઈ ગયો હતો.
તેમણે ટ્રેનમાં રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમને જણાવ્યું હતું. સબ-ઇન્સ્પેક્ટર શૈલેષકુમાર દુબે અને તેમની ટીમે અમદાવાદ અને પાલનપુર વચ્ચેના તમામ કોચની તપાસ કરી હતી. આ દરમિયાન ટ્રેનની અંદરથી એક શંકાસ્પદ વ્યક્તિ સેફ અલીનો પુત્ર સાબિર અલી શેખ પકડાયો હતો. જે ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો.
પાલનપુર રેલવે સ્ટેશન પર જીઆરપી પાલનપુરની સમક્ષ તેની અને તેના સામાનની શોધખોળ કરતા તેની પાસેથી એક ચોરાયેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને તેણે ચોરીનો સ્વીકાર કર્યો હતો તથા જીઆરપી દ્વારા ઉક્ત ફરિયાદી પાસેથી લેખિત ફરિયાદ મેળવ્યા બાદ આરોપીને મોબાઇલ સાથે આગળની કાર્યવાહી માટે જીઆરપી પોલીસ સ્ટેશન પાલનપુર મોકલવામાં આવ્યો હતો.