Western Times News

Gujarati News

રેલવે હાઈપરપૂલ ટ્રેન મુંબઈથી પૂના દોડાવે તેવી શક્યતાઃ 3 કલાકને બદલે 25 મિનીટમાં પહોંચાશે

રેલવે દ્વારા વિકસાવાયેલા હાઈપરલૂપ પર ટ્રેન 600 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે-૩૬૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવી શકાય એવો હાઈપરલૂપ તૈયાર કરાયો

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય રેલવેએ વિકાસના માર્ગ પર વધુ એક સિમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. હવે રેલવેએ દેશનો પહેલો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ટ્રેકનો વીડિયો શેર કરીને આ વિશે જાણકારી આપી છે.

હાઈપરલૂપ ટ્રેન એક હાઈ સ્પીડ ટ્રેન છે, જે એલિવેટેડ વેક્યૂમ ટ્યુબમાં દોડે છે. તેમાં ટ્રેન મેગ્નેટિક ટેક્નોલોજીથી સજ્જ પોડ પર ચાલે છે. હવાનું ઘર્ષણ ન લાગતાં આવા પોડની ઝડપ ૧૧૦૦ થી ૧૨૦૦ કિમી પ્રતિ કલાક સુધી જાય છે. તેમાં વીજળીનો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે અને પ્રદૂષણ થતું નથી. એક પોડમાં ૨૪ થી ૨૮ મુસાફરો બેસી શકે છે. ૪૧૦ મીટર લાંબો આ ટેસ્ટ ટ્રેક તમિલનાડુના થૈયુરમાં આઈઆઈટી મદ્રાસના ડિસ્કવરી કેમ્પસમાં બનાવવામાં આવ્યો છે.

આ ટ્રેક ભારતીય રેલવે, આઈઆઈટી-મદ્રાસની આવિષ્કાર હાઈપરલૂપ ટીમ અને સંસ્થામાં સ્થાપિત સ્ટાર્ટઅપ ટીયુટીઆર હાઈપરલૂપ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયો છે. આ પ્રોજેક્ટનો હેતુ અત્યંત ઝડપી, સસ્તું, વિશ્વસનીય અને ટકાઉ પરિવહન પૂરું પાડવાનો છે. ભારતીય રેલવે દ્વારા વિકસિત આ હાઈપરલૂપ પર ટ્રેન મહત્તમ ૬૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

જો કે, તેની ઓપરેશનલ સ્પીડ ૩૬૦ કિમી પ્રતિ કલાક રાખવામાં આવશે. ભારતીય રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે ૮.૩૪ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. હાઈપરલૂપ ટ્રેકમાં નોનસ્ટોપ મુસાફરીની મજા માણી શકાશે. એકવાર બેસો અને સીધા મુકામ પર જાઓ, વચ્ચે ક્યાંય રોકવાની તક નહીં મળે. આ કારણસર બે મોટા સ્ટેશનો વચ્ચે જ હાઈપરલૂપ ટ્રેન દોડશે.

અત્યંત ઝડપી હોવાથી કલાકોની સફર મિનિટોમાં આટોપાઈ જશે અને સમયની ખૂબ બચત થશે. દેશની સૌથી પહેલી હાઈપરલૂપ ટ્રેન મુંબઈ અને પૂણે વચ્ચે દોડે તેવી શક્યતા છે. બંને શહેરો વચ્ચે અત્યારે જે ટ્રેન મહત્તમ ઝડપે દોડે છે, તે મુંબઈથી પૂણે પહોંચવામાં સવા ત્રણ કલાકનો સમય લે છે. હાઈપરલૂપ દ્વારા આ સમય ઘટીને ફક્ત માત્ર ૨૫ મિનિટ થઈ જશે.

પ્રાયોગિક પરીક્ષણો સફળ થતાં આ પ્રોજેક્ટને ૨ તબક્કામાં આગળ ધપાવાશે. પ્રથમ તબક્કામાં ૧૧.૫ કિલોમીટરના ટ્રેકનું બાંધકામ કરવામાં આવશે, અને પછી એ વધારીને ૧૦૦ કિલોમીટરનું કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.