સ્કૂલમાં ચોરી કરવા આવેલ ચોર સ્કૂલમાં જ ઉંઘી ગયો, શિક્ષકો આશ્ચર્ય ચકીત થયા
કોરોના વૈશ્વિક મહામારીને નાથવા લાગુ કરાયેલ લોકડાઉન બાદ અનેક લોકોની નોકરી છીનવાતા અને ધંધા-રોજગાર પડી ભાગતા શોર્ટકર્ટ થી રૂપિયા ભેગા કરવા ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યા છે જેમાં લોકો દારૂની હેરાફેરી,જુગાર અને ચોરીના રવાડે ચઢી ગયા હોવાના અને પોલીસ સંકંજામાં આવી જતા હોય છે.
ત્યારે અરવલ્લી જીલ્લામાં એક અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ચોર ચોરી કરવાના ઈરાદે સ્કૂલમાં ઘૂસેલા ચોરનું કારનામુ જાણઈને તમને નવાઈની સાથે પેટ પકડીને હસવા લાગશો. સ્કૂલમાં ચોરી કરવા માટે ચોર ઘૂસ્યો હતો પરંતુ તેણે જે કર્યું તેનાથી બધાના હોશ ઉડી ગયા હતા.
ઉંઘ સામે ચોરી હારી ગઈ હોય તેમ સ્કૂલની ઓફિસમાં જ ઈયરફોન લગાવી ઉંઘી જતા વહેલી સવારે સ્કૂલમાં શાળાનો સ્ટાફ પહોંચતા ઓફિસના કબાટમાં તોડફોડ સાથે ચોર ઉંઘતો જોવા મળતા ચોકી ઉઠ્યા હતા અને ચોરને ઝડપી લઈ પોલીસને સોંપી દીધો હતો જો કે આ અંગે ઇસરી પોલીસે સમગ્ર ઘટના અંગે અજાણ હોવાનું અને ચોરીની કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું સમગ્ર પંથકમાં ચોરી કરવા આવેલ ચોર ઉંઘી ગયો હોવાની જાણ થતા રમૂજ ફેલાઈ હતી.
મંગળવારે રાત્રીના સુમારે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં ચોરીના કરવાના ઇરાદે એક યુવાન ચોર ત્રાટકી ઓફિસના દરવાજાનું તાળું તોડી ઓફિસમાં રહેલ તીજોરી અને કબાટમાં તોડફોડ કરી થાકી ગયો હોય તેમ કાનમાં ઈયરફોન લગાવી આરામ કરવા જતા ઘસઘસાટ ઉંઘી ગયો હતો.
જાણે ચોરી સામે ઉંઘની જીત થઇ હોય તેમ સવાર સુધી ઉંઘ ન ઉડતાં સવારે નિત્યકર્મ મુજબ શાળાએ પહોંચેલ સ્ટાફે ઓફિસમાં તોડફોડ થયેલી હોવાની સાથે ગાઢ નિંદ્રામાં રહેલો ચોર કાનમાં ઈયરફોન લગાવી ઉંઘેલી હાલતમાં જોવા મળતા પકડી પાડ્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરને ઝડપી પાડી પ્રાથમીક તપાસ હાથધરી હતી અગમ્ય કારણોસર આ અંગે પોલીસ ચોપડે કોઈ પણ પ્રકારનો ગુન્હો ન નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું ચોરી કરનાર યુવકનો શાળા સ્ટાફ, સ્થાનીક પોલીસ અને ગ્રામજનો સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં યુવાન ચોરના કારનામા સામે ગુસ્સા સાથે રમૂજ પણ ફેલાઈ હતી. દિલીપ પુરોહિત બાયડ