રેલ્વેમાં પણ કોરોનાથી અંદાજે ૨ હજાર કર્મચારીઓ મોતને ભેટ્યા
નવીદિલ્હી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર પહેલા કરતા ઘણી વધુ જાેખમી દેખાઇ રહી છે. જેના કારણે દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓનાં નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે, મૃત્યુનાં કેસોમાં પણ કોઈ ઘટાડો થયો નથી. દરમિયાન, ભારતીય રેલ્વેનાં લગભગ એક લાખ કર્મચારીઓ કોરોનાનો ભોગ બની ચુક્યા છે.
કોરોના રોગચાળાની વચ્ચે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવીને લાખો લોકોનો જીવ બચાવનાર ઈન્ડિયન એક્સપ્રેસ હવે કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. વળી, હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. એક વરિષ્ઠ રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં સંક્રમણને કારણે ૧૯૫૨ રેલ્વે કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને દરરોજ ૧,૦૦૦ જેટલા કર્મચારીઓ સંક્રમિત થઇ રહ્યા છે.
આ બાબત જાેતા રેલ્વે બોર્ડનાં અધ્યક્ષ સુનીત શર્મા કહે છે કે, રેલ્વે અન્ય કોઈ રાજ્ય કે પ્રદેશથી અલગ નથી. તેમણે કહ્યું કે તે લોકોને પણ કોરોના સંક્રમણનાં કેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પરિવહનનું કામ કરે છે અને લોકો સુધી માલ-સમાન લઈ જાય છે. દરરોજ લગભગ ૧,૦૦૦ કોવિડ કેસ નોંધાય છે. સુનીત શર્માએ વધુમાં માહિતી આપી હતી કે, રેલ્વેની પોતાની હોસ્પિટલો છે, જેમાં પથારીની સંખ્યા વધારી દેવામાં આવી છે, રેલ્વે હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.
સુનીત શર્માએ જણાવ્યું કે, હાલમાં આ હોસ્પિટલોમાં ૪,૦૦૦ રેલ્વે કર્મચારી અથવા તેમના પરિવારનાં સભ્યો દાખલ છે. ગયા વર્ષે માર્ચથી, ૧૯૫૨ રેલ્વે કર્મચારીઓનાં મોત કોરોના રોગચાળાથી થયા છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશન નામનાં એક રેલકર્મીઓનાં ફેડરેશને રેલ્વે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને માંગ કરી છે કે કોરોના રોગચાળા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા રેલ્વે કર્મચારીઓનાં પરિવારોને ફ્રન્ટલાઈન કામદારોની જેમ વળતર આપવામાં આવે. તેમણે પત્રમાં એમ પણ કહ્યું હતું કે, ફ્રન્ટલાઈન કામદારો માટે જાહેર કરાયેલ મુજબ, આ કામદારો પણ ૨૫ લાખ નહી પણ ૫૦ લાખ રૂપિયાનું વળતરનાં હકદાર છે.