રેલ્વે પ્રોજેકટ હેઠળ L&T કંપનીએ સરફુદ્દીન ગામના ઝુંપડા તોડી નાંખતા વિવાદ
ભરૂચ : બુલેટ ટ્રેન હેઠળના રેલ્વે પ્રોજેક્ટમાં એલએન્ડટી કંપનીએ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સાત આદિવાસીઓના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેતાં બેઘર બનેલા આદિવાસીઓએ આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આપી નુકશાન વળતર અને વૈકલ્પિક વ્યવસ્થાઓની માંગ કરી છે. સાથે જો માંગ પુરી ન કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
સરફુદ્દીન ગામના બેઘર બનેલા આદિવાસી સમાજે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ હાલ કામ-કાજ ચાલી રહ્યું છે. જેની કોન્ટ્રાક્ટર કંપની એલ એન્ડ ટી દ્વારા ચાર અને પાંચ નવેમ્બરના રોજ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના સાત જેટલા આદિવાસી પરીવારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેતા આદિવાસી પરીવારો બેઘર બન્યા છે. એલ એન્ડ ટી કંપનીએ જિલ્લા અને ગ્રામ પંચાયતના વહીવટી તંત્રએ આ બાબતે કોઇ નોટિસ આપી નથી કે અગાઉથી જાણ પણ કરી ન હતી.
૪ અને ૫ નવેમ્બરે એલ એન્ડ ટી કંપનીના માણસો પોલીસના કાફલા સાથે સરફુદ્દીન ગામ ખાતે ઘસી આવ્યા હતા. જેમણે કાળોકેર વર્ષાવી બેરહેમ બની ગરીબ અને લાચાર આદિવાસીઓના ઝૂંપડા ઉપર બુલડોઝરો ફેરવી દીધા હતા. જેમાં આદિવાસી પરીવારોની તમામ ઘરવખરી પણ નાશ પામી હતી. બેઘર બનેલ આિદવાસી પરીવારોને રોડ ઉપર પ્લાસ્ટિક બાંધી રહેવાનો વારો આવ્યો છે.
સરકાર ઉપર આક્ષેપ કરતા આદિવાસી આગેવાનોએ આદિવાસીના વિનાશને રાષ્ટ્રનો વિનાશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભી કરવામાં પણ આદિવાસીઓ પર અત્યાચાર થયો છે અને હવે બુલેટ ટ્રેનમાં પણ આદિવાસીઓનો વિનાશ કરી વિકાશ થઈ રહ્યો છે. બુલેટ ટ્રેન યોજના હેઠળ એક બાળમંદિરને તોડવા માટે સાડાત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે, તો આદિવાસી પરવારોને વળતર શા માટે નહિં. તેવો પ્રશ્ન આદિવાસી સમાજે ઉઠાવ્યો છે.
સાત આદિવાસી પરીવારો વર્ષો પૂર્વેથી આ ગામમાં રહે છે. તેમને કોઇપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના કે અન્ય સ્થળે જમીનની ફાળવણી કર્યા વિના તેમના મકાનો ઉપર બુલડોઝર ફેરવી સરકારે આદિવાસી સાથે અન્યાય કર્યો છે. આ આદિવાસીઓને વળતર અને વૈકલ્પિક જગ્યા ચૂકવવામાં આવે તેવી માંગ આવેદનમાં ઉચ્ચારવામાં આવી છે. અને જો સરકાર વળતર કે વૈકલ્પિક જગ્યા ચૂકવવામાં આંખ આડા કાન કરશે તો આદિવાસી સમાજ આક્રમક આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં અાવી છે.