રેલ્વે ફાટક નજીક ક્રશરની ફેક્ટરીમાં ૧.૭૫ લાખ અને વડગામના કારખાનામાં ૨૫ હજારના મુદ્દામાલની ચોરી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે પોલીસતંત્રના નાઈટ પેટ્રોલિંગ સામે પણ વારંવાર થતી ચોરી,લૂંટની ઘટનાથી સવાલ પેદા થયા છે ધનસુરા ગામમાં છાસવારે ચોરી થતા વેપારીઓ અને ગ્રામજનોએ ચારરસ્તા પર ચક્કાજામ કરી પોલીસતંત્રની નિષ્ફળ કામગીરી સામે વિરોધ નોંધાવ્યાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એકવાર ધનસુરા રેલવે ફાટક નજીક ક્રશરની ફેક્ટરીમાં તસ્કરો ત્રાટકી ૧.૭૫ લાખના માલસામાનની લૂંટ ચલાવી નજીક આવેલ વડાગામની કચરાના કારખાનામાં ૨૫ હજારની ચોરી કરી પલાયન થઇ જતા ફેક્ટરી માલિકે ધનસુરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ધનસુરામાં એક મહિનાના ટૂંકા ગાળામાં ૧૬ થી વધુ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોમાં ભય ફેલાયો છે ધનસુરા નગરના રેલ્વે ફાટક પાસેના શ્રી મંગલમ એન્જીનીયરીંગ નામના ક્રશરના કારખાનામાં ૨૦ દિવસ અગાઉ પણ કારખાના આગળ પડેલ રૂ.૭૫૦૦૦ કીંમત નો લોખંડનો સરસામાનની ચોરી થયા પછી રવિવારે રાત્રે ફરીથી કારખાના આગળ પડેલ રૂ.૧ લાખ ના માલસામાનની ચોરી થતા ફેક્ટરી માલિકે કારખાનામાં લગાડેલ સી.સી.ટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા સવારે ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન ચોરો લોખંડના પાટા અને એંગલો ઉઠાવતા સી.સી.ટીવી કેમેરામાં કેદ થયા હતા.
