રેલ્વે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સર્વિસને બંધ કરાશે
ઇન્ટરનેટ અને ઓનલાઈન સેવા પહેલાની સરખામણીમાં વધારે સરળ તેમજ સસ્તી બન્યા બાદ ગુગલ દ્વારા જાહેરાત |
નવી દિલ્હી, દિગ્ગજ કંપની ગુગલે જાહેરાત કરી છે કે, તે ૨૦૨૦ના અંત સુધી ભારત સહિત સમગ્ર દુનિયામાં પોતાના સ્ટેશન પ્રોગ્રામને બંધ કરી દેવા ઇચ્છુક છે. ગુગલનું કહેવું છે કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ઇન્ટરનેટ અને ઓનલાઈન સેવા પહેલાની સરખામણીમાં વધારે સરળ અને સસ્તી બની ગઈ છે જેના પરિણામ સ્વરુપે આ યોજના ઉપર તેઓ પહોંચી રહ્યા છે. ફ્રી વાઇ-ફાઈ સર્વિસને ગુગલ ભારતના સ્ટેશનો ઉપર પણ બંધ કરવાની યોજના ધરાવે છે. ભારતીય રેલવે અને રેલ ટેલની સાથે ગુગલ દ્વારા જે ફ્રી વાઈ-ફાઇવાળા સ્ટેશન પ્રોગ્રામની શરૂઆત કરી છે તેને હવે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
ગુગલે ૨૦૧૫માં ભારતીય રેલવે અને રેલ ટેલની સાથે મળીને સ્ટેશન પ્રોગ્રામની શરૂઆત કરી હતી જેથી ૨૦૨૦ના મધ્ય સુધી દેશમાં ૪૦૦ રેલવે સ્ટેશનો ઉપર લોકો માટે મફત વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના હતી. ગુગલના ઉપપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, નક્કી કરવામાં આવેલી સંખ્યાને જૂન ૨૦૧૮માં પાર કરી લેવામાં આવ્યા બાદ હવે આ દિશામાં નવી પહેલ કરવામાં આવશે નહીં ગુગલ રેલવે સ્ટેશનો ઉપર ફ્રી વાઇફાઇ સર્વિસને હવે બંધ કરનાર છે.
સેનગુપ્તાએ કહ્યું છે કે, આગામી દિવસોમાં પણ આ સંદર્ભમાં રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવશે. ગુગલના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોબાઇલ ડેટા સમગ્ર દુનિયામાં સસ્તા થઇ રહ્યા છે જેથી ધીમે ધીમે સ્ટેશન પ્રોગ્રામમાં બંધ કરવામાં આવનાર છે. સ્ટેશન પ્રોગ્રામને ખુબ જ સફળતા હાથ લાગી હતી. સ્ટેશન પર પહેલી ફ્રી વાઇ-ફાઈ સર્વિસનો લાભ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેશન ઉપર પહોંચતા હતા. હવે આ સર્વિસ બંધ થયા બાદ કેટલાક લોકોને આનાથી નુકસાન પણ થઇ શકે છે. ઘણા લોકો હજુ પણ વાઇફાઈનો લાભ લઇ શકતા નથી.