રેવન્યુ કાયદાના ભીષ્મ પિતામહ એડવોકેટ વૈકુંઠદાદાનું અવસાન

અમદાવાદ, તા. ૭-૩-૧૯૨૯ ના રોજ થરપારકર (હાલ સિંધ, પાકિસ્તાન) માં સાધારણ પરિવાર માં જન્મેલ વૈકુંઠભાઈ કાલીદાસ ત્રિવેદી જેમણે ફક્ત ૧૩ વર્ષ ની ઉંમરે ૫-૬ મહિના ના ગાળામાં પોતાના મા-બાપ તથા કાકા-કાકી ને ગુમાવ્યા. પરિવારમાં નાના ૩ ભાઈઓ ૨ બહેનો બધાની જવાબદારી ઉઠાવી પોતાના મોસાળમાં મોટા થયા. ભારત-પાકિસ્તાન ના ભાગલા વખતે ઊંટ ઉપર બેસી વતન છોડી ભારત આવ્યા. તેમના મામા થી પ્રભાવિત થઈ વકીલ બનવાનું નક્કી કર્યું. પહેલા પાલનપુર ત્યારબાદ અમદાવાદમાં બોર્ડગ માં રહી અભ્યાસની સાથે સાથે કારકુન ની નોકરી કરતા.
પગપાળા ચાલતા-દોડતા ખૂબ જ તકલીફ વેઠીને ભણતરની સાથે નોકરી સાથે કરતા. સન ૧૯૫૬માં સનદ મેળવી અમદાવાદ માં વકીલાત શરુ કરી પરિવાર વસાવ્યો. શરુઆતમાં ખૂબ નાના ઘરમાં રહી એક દીકરો અને બે દીકરીઓને મોટા કર્યા. વકીલાત સારી ચાલી. ૧૯૫૬ માં આવેલ ગણોતધારા કાયદા ઉપર સારી પકડ હોઈ ગણોતિયા-જમીન માલિકના અનેક કેસો લડ્યા. સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રચલિત થયા. ખૂબ જ નિષ્ઠાવાન, પ્રામાણિક, સરળ સ્વભાવના, ખૂબ જ પ્રેમાળ વકીલ તરીકે નામના મેળવી. અનેક ધાર્મિક સંસ્થાઓ ના જમીનો ના કેસો લડી નિઃસ્વાર્થ ભાવે સેવા આપી. જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોયા.
સન ૨૦૦૯-૧૦ માં પત્ની અને દીકરા ના મૃત્યુ નો વ્રજઘાત ઝીલી પરિવાર ની સાથે મક્કમ ઉભા રહી સંભાળ્યા. કર્મ એજ ધર્મ બસ એજ ભાવના સાથે સતત કાર્યશીલ રહ્યા. અસીલો માં દાદા તરીકે અને વકીલ વર્તુળ માં રેવન્યુ કાયદા ના ભીષ્મ પિતામહથી પ્રચલિત હતા. ઘડપણ માં બીમારીઓ આવી પરંતુ તેને ફક્ત તેમના સરળ જીવન અને સતત કામ કરવાની ધગશ થી હરાવી. ૯૦ વર્ષની વયે પણ એટલી જ સ્ફુર્તિ સાથે નિયમિત ઓફીસ-કોર્ટ જતા. લોક લાડીલા એવા વૈકુંઠ દાદા તા. ૪-૬-૨૦૨૦ ના રોજ ૯૧ વર્ષની વયે ધામમાં ગયા છે. તેમની ખોટ અસાધ્ય છે.