રેસ્ટોરન્ટ દ્વારા પાક.ની ફૂડ ફેસ્ટિવલના બેનર બાદ વિવાદ
સુરત, શહેરના રિંગ રોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતાં બેનર લગાડી દેતા ભારે વિવાદ સર્જાયો હતો. હોર્ડિંગ્સ અંગેની જાણ થતાં બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી આવ્યા હતા અને વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધાં હતાં અને સાથે સાથે રેસ્ટોરન્ટ સંચાલકને ફરી આવું ન થાય તેવી ચેતવણી પણ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રિંગ રોડ સ્થિત ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ દ્વારા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના નામે બેનર પ્રિન્ટ કરવામાં આવ્યા હતા. સુરત બજરંગ દળના કાર્યકરો દ્વારા સ્થળ ઉપરથી જ બેનરો દૂર કરીને ફાડી નાખવામાં આવ્યા હતા અને તેને સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે બજરંગ દળનું કહેવું છે કે, કાર્યકર્તાઓ દ્વારા અમને બેનર અંગે ખબર પડી હતી. જેથી અમે સ્થળ પર જઈ તપાસ કરતાં ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર દેખાતા નીચે ઉતારી સળગાવી દેવાયાં હતાં. બજરંગ દળના સભ્યએ કહ્યું કે, દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય અને સાથે જ રેસ્ટોરન્ટ માલિકને ચેતવણી આપી હતી કે, હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.SSS