Western Times News

Gujarati News

રેસ્ટોરાં, હોટેલોમાં જમો તો અડધું બિલ સરકાર ચુકવશે

લંડન, બ્રિટનમાં ફૂડ રસિયાઓ માટે એક નવી જ સ્કીમ શરૂ કરવામાં આવી છે. નાણાંમંત્રી ઋષિ સુનકની પહેલના આધારે ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ ઓફર શરૂ થઈ છે. રેસ્ટોરન્ટમાં નાસ્તો, ભોજન કરો તો અડધું બિલ જ ભરવું પડશે. બાકીનું અડધું બિલ સરકાર ભરશે. આ ઓફર ૩થી ૩૧ ઓગસ્ટ સુધી સોમવારથી બુધવાર સુધી લાગુ રહેશે. દરેક વ્યક્તિને મહત્તમ ૧૦ પાઉન્ડ (૯૮૦ રૂપિયા)ની છૂટ મળશે સામાન્ય રીતે ૪ લોકોના સામાન્ય ભોજનનું બિલ ૩૦થી ૪૦ પાઉન્ડ થતું હોય છે. હકીકતમાં કોરોનાકાળમાં લાૅકડાઉનને કારણે લોકો બહાર ખાવાનું પસંદ કરતા નથી. એવામાં હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો વેપાર ઠપ થઈ ગયો છે. આ ઇન્ડસ્ટ્રીને ઉગારવા માટે આ પહેલ કરાઈ છે. જેથી લોકો બહાર જમે અને અર્થતંત્ર વધુ ગતિશીલ બની શકે. સરકારે આ માટે ૫૦ કરોડ પાઉન્ડ (૪૯૦૦ કરોડ રૂપિયા)નું પેકેજ જાહેર કર્યું છે.

આ યોજનાથી દેશના અડધા એટલે કે ૭૨ હજાર રેસ્ટોરન્ટ, પબ અને કાફે જોડાઈ ચૂક્યા છે અને અડધી કિંમતે ભોજન આપી રહ્યા છે. તેમાં ૯૦ બ્રાન્ડ જેવી કે મેકડોનાલ્ડ, નાંદો, બર્ગરકિંગ, પિઝાહટ, સ્ટારબક્સ, પિઝા એક્સપ્રેસ વગેરે સામેલ છે. ઓફરની શરત એ છે કે ગ્રાહકે રેસ્ટોરન્ટમાં બેસીને જ જમવું પડશે. ટેક અવે પર છૂટ મળશે નહીં. આલ્કોહોલ પર પણ છૂટ મળશે નહીં. બેગલબાઈટ રેસ્ટોરન્ટના માલિક કહે છે કે છેલ્લા વર્ષની સરખામણીએ વેપારમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ યોજનાથી વેપાર વધશે. લોકો કહે છે કે એકતરફ સરકાર લોકોને વજન ઓછું કરવાનું કહી રહી છે અને બીજીબાજુ આવી યોજના લાગુ કરીને જંકફૂડ ખાવા પ્રોત્સાહિત કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.