રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના વાયરસને હંફાવવા સતત એક મહિના સુધી ઘરે બેઠા યોગ
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પ્રશિક્ષિત યોગગુરૂઓ દ્વારા યોગ નિદર્શન
તા.૦૧ જૂનથી તા.૩૦ જૂન સુધી જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પ્રબુદ્ધ નાગરીકો પ્રશિક્ષિત યોગગુરૂઓ સાથે યોગ નિદર્શન કાર્યક્રમમાં જોડાયા
સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર માહિતી બ્યુરો, પાટણ: યોગ એટલે પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ. હજારો વર્ષ પહેલા મહર્ષિ પતંજલી દ્વારા આપવામાં આવેલી યોગ પદ્ધતિઓ એ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે જે આજે પણ એટલી જ સાંપ્રત છે. સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના વાયરસ મહામારીથી રક્ષણ મેળવવા યોગ એ રોજીંદા જીવનનો ભાગ બને તે માટે પાટણમાં એક પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને સમર્પિત તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગના અસરકારક ઉપયોગ માટે રાજ્ય સરકાર દ્વારા પણ યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
ત્યારે પાટણમાં સમગ્ર જૂન મહિના દરમિયાન સોશિયલ મિડિયાના માધ્યમથી લાઈવ યોગ નિદર્શન કાર્યક્રમની પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ઑફિસર્સ ક્લબના સહયોગથી મા પરિવાર અને આર્ટ ઑફ લિવિંગ સહિતની શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તા.૦૧ જૂનથી તા.૩૦ જૂન સુધી ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજ પરથી સવારે ૬.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી યોગ નિદર્શન કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવ્યો.
સતત એક મહિના સુધી પ્રશિક્ષિત યોગગુરૂઓ દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ અને પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સહિત જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે પાટણના પ્રબુદ્ધ નાગરીકો જોડાયા હતા. સમગ્ર મહિના દરમ્યાન ૧.૭૫ લાખ કરતાં વધુ લોકોએ ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજના માધ્યમથી આ કાર્યક્રમને નિહાળી ઘરે બેઠા યોગાભ્યાસ કર્યો.
આ કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ જણાવે છે કે, વૈદિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે ત્યારે ઋષિ પરંપરાને અનુસરીને રાજ્યમાં સૌપ્રથમ પહેલ પાટણ જિલ્લાએ કરી છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી કોરોના વાયરસ સામે લડવા યોગ શ્રેષ્ઠ ઉપાય છે. જેને આ પહેલ દ્વારા ઘર-ઘર સુધી નિઃશુલ્ક પહોંચાડવા બદલ તમામ સ્વૈચ્છીક સંસ્થાઓ અને વહિવટી તંત્રના અધિકારીશ્રીઓને અભિનંદન આપું છું. ઘરે બેઠા યોગાભ્યાસમાં જોડાયેલા તમામ નાગરીકોના નિરોગી જીવન અને સુખાકારી માટે કામના કરૂં છું.
કોરોના વાયરસના ચેપથી બચવા ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથને સેનેટાઈઝ કરવા જેવી સાવચેતીઓ સાથે સૌથી જરૂરી બાબત છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો. માત્ર શારિરીક વ્યાયામ જ નહીં પરંતુ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયેલા યોગની મહત્તા આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વિકારી છે. ત્યારે કોરોના વાયરસ સામેની લડાઈમાં ઈમ્યુનિટી વધારવા માટે યોગ એ સૌથી સબળ માધ્યમ સાબિત થશે.
મા પરિવાર અને આર્ટ ઑફ લિવિંગ દ્વારા પ્રસ્તુત વિચારને શહેરની રામ રહિમ સેવા ટ્રસ્ટ, એક્ટીવ ગૃપ, રિલાયન્સ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, પ્રયાસ ફાઉન્ડેશન, રૉટરી ક્લબ અને બાલાજી ગૃપ દ્વારા સહર્ષ સ્વિકારી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કરવામાં આવેલી પહેલની સફળતાના પગલે ‘આપણું પાટણ સ્વસ્થ પાટણ’ ફેસબુક પેજ પર આગામી સમયમાં પણ પ્રસારણ યથાવત રાખવામાં આવશે.