રોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં ભરૂચ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
રોજગાર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન- કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જીલ્લામાં મોડે મોડે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
ત્યારે રોજગારી મુદ્દે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરી ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.પરંતુ પોલીસે કેટલાય કોંગ્રેસી અને યુથ કોંગ્રેસના હોદ્દેદારોની ટીંગાટોળી કરી પોલીસના ડબ્બામાં બેસાડી પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા અને યુથ કોંગ્રેસના શકીલ અકુજી,શેરખાન પઠાણ સહિતના હોદ્દેદારોની આગેવાની હેઠળ ભરૂચ જીલ્લાના યુવાનોને રોજગારી ન મળતી હોવાના આક્ષેપ સાથે રોજગાર કચેરી ઉપર આંદોલનનું રણશીંગુ ફુંક્યું હતું
અને યુથ કોંગ્રેસ તથા જીલ્લા કોંગ્રેસના હોદ્દેરોએ રોજગાર કચેરી ઉપર પહોંચે તે પહેલા જ પ્રવેશદ્વાર નજીક પોલીસે ગાડી મૂકી દેતા યુથ કોંગ્રેસના કે કોંગ્રેસ હોદ્દેદારોને રોજગાર કચેરીના સંકુલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેના કારણે પોલીસ અને હોદ્દેદારો વચ્ચે ઘર્ષણો સર્જાયા બાદ કેટલાય હોદ્દેદારોએ દિવાલ કૂદીને પણ રોજગાર કચેરીમાં પહોંચી આંદોલનને આક્રમક બનાવ્યું હતું.
રોજગાર કચેરી સંકુલમાં પોલીસ અને હોદ્દેદારો વચ્ચે પકડ દાવનો ખેલ ખેલાયો હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા અને કેટલાય કોંગ્રેસી હોદ્દેદારોએ રોજગાર કચેરીમાં ઘુસી જાય ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસના હોદ્દેદારોની ટીંગાટોળી કરી બાદમાં લઈને પણ કચેરીની બહાર લાવી પોલીસ ડબ્બામાં પૂરવાની ફરજ પડી હતી
અને તમામ હોદ્દેદારોને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી હતી.જાેકે આગામી દિવસોમાં યુવાનોને હજુ રોજગારી આપવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.