રોજગારી મેળવવા ઘરે બેઠા નોંધણી કરી પોતાના શિક્ષણને અનુરૂપ નોકરી શોધી શકશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) અને ગુજરાત શ્રમ અને રોજગાર વિભાગના સંયુક્ત ઉપક્રમે “અનુબંધમ પોર્ટલ” અને “મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના” વિશેની માહિતીનો સેમિનાર યોજાયો
શ્રમ અને રોજગારના અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્માએ વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો.
શ્રીમતી અંજુ શર્માના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલા આ સેમિનારમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI)ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી “અનુબંધમ પોર્ટલ” અને “મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના” અંગે વિસ્તૃત વિવરણ રજૂ કરવામાં આવ્યું હતું.
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૦૬-૦૮-૨૦૨૧ ના રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અનુબંધમ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ પોર્ટલની મુખ્ય વિશેષતા માં રોજગાર વાંચ્છુઓ દ્વારા ઘરે બેઠા નોંધણી કરી પોતાના શિક્ષણને અનુરૂપ નોકરી શોધી શકશે જ્યારે નોકરીદાતા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રોજગાર કચેરીની સેવા ઓનલાઇન મેળવી શકશે. શ્રીમતી એમ.આર.સહાની દ્વારા અનુબંધમ પોર્ટલ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
“મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના” ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા જાહેર કરાઇ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યનો સર્વાંગી વિકાસ થાય અને રોજગારીની તકો ઉભી થાય તે છે.જેમાં તાલીમાર્થીઓને તેમજ ખાનગી ઉદ્યોગોમાં યુવાનોને નોકરી મળે તેમજ સરકાર દ્વારા એ શૈક્ષણિક લાયકાત અનુસાર આ તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. શ્રી કે. બી.પટેલે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ઔદ્યોગિક એકમો અને અનુબંધમ પોર્ટલ એકબીજા સાથે પરસ્પર સંકળાઇને રોજગાર ઈચ્છુક યુવાનો અને નોકરીદાતા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે તે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ હતો. આ સેમિનારમાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં GCCI અને શ્રમ રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.