રોજગાર માટે વિદેશ જવા ઇચ્છતા ઉમેદવારો સાવધાન: લેભાગુ અને ઠગ એજન્ટોના માધ્યમથી વિદેશ જવુ નહીં
પાલનપુર : ભારત સરકારના વિદેશ મંત્રાલય નવી દિલ્હી દ્વારા વિદેશ રોજગાર માટે જવા ઇચ્છતા ઉમેદવારો વિવિધ ઠગ/લેભાગુ એજન્ટોના ભોગ ન બને તે માટે વિદેશ રોજગાર માટેની સેવા મીનસ્ટ્રી ઓફ એકસ્ટર્નલ અફેર્સ એન્ડ ઓવરસીઝ ઇન્ડીયન અફેર્સ-ઇન્ડીયા, નવી દિલ્હી તરફથી માન્યતા ધરાવતી નોંધાયેલ સંસ્થાઓની યાદી વેબ સાઇટ emigrate.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવી છે.
વિદેશ કારકીર્દી ઘડવા તેમજ નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલ ભરતી એજન્ટોના માધ્યમથી જ વિદેશ જવું. લેભાગુ અને ઠગ એજન્ટો દ્વારા ન જવું કે જેનાથી તમારી છેતરામણી થવાની શક્યતા હોય.
વિદેશ જતા સમયે કોઇપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું કોઇપણ પ્રકારનું પેકેટ લઇને જવું નહી, જેથી આપ ફસાઇ ન જાઓ. જતા પહેલા જે કામ માટે જાવ તે માટેનું સંપૂર્ણ પ્રશિક્ષણ/તાલીમ મેળવીને જવું. વિદેશ જતાની સાથે જ ભારતીય દુતાવાસનો સંપર્ક કરવો.
વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૧૩ ૦૯૦ ઉપર સંપર્ક કરવો તેમ બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા જણાવાયું છે.