રોજગાર વિનિમય કચેરીઓને ઓનલાઈન કરાશે : મિત્રા
શ્રમ અને રોજગાર વિભાગે વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે વેબિનારનુ આયોજન કર્યું
ગાંધીનગર, નોકરી શોધનારે હવે ટૂંક સમયમાં રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓની મુલાકાત નહી લેવી પડે કારણ કે આ વિનિમય કચેરીઓ હવે ઓનલાઈન થવાની છે. તેમજ કચેરીની વિવિધ સેવાઓ પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે તેમ શ્રમ અને રોજગાર વિભાગ જણાવે છે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “રાજ્યમાં કુલ 39 રોજગાર વિનિમય કચેરીઓ છે. અમે તેમને ઓનલાઈન બનાવીને એક પોર્ટલ રજૂ કરી રહ્યા છીએ. આનો અર્થ એ થયો કે નોકરી શોધનારે હવે બેરોજગાર તરીકે નોંધણી કરાવવા માટે રોજગાર વિનિમય કચેરીની મુલાકાતે જવુ પડશે નહી અને ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. આ માટેની કામગીરી અગ્રીમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે ”
શ્રી મિત્રાએ તા.15 જુલાઈના રોજ નેશનલ સ્કીલ સમિટ 2020 વેબિનારને ને સંબોધન કરતાં આ જાહેરાત પણ કરી હતી. રોજગાર વિનિમય કચેરીઓ નોકરી શોધનારને રોજગારી આપનાર સાથે જોડવામાં મહત્વની ભૂમિકા બજાવે છે. છેલ્લા 3 નાણાંકિય વર્ષમાં દર વર્ષે 3.50 લાખથી વધુ ઉમેદવારોની નિમણુકમાં સહાય કરવામાં આવી છે.
શ્રી મિત્રાએ તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું કે ગુજરાત રોજગારી પૂરી પાડતુ રાજ્ય છે તે પોતાના રાજ્યના લોકોની સાથે સાથે અન્ય રાજ્યોના લાખો લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે ગુજરાત દેશનાં તમામ રાજ્યોમાં સૌથી ઓછો 3.4 ટકા જેટલો બેરોજગારીનો દર ધરાવે છે.
તેમણે જણાવ્યુ હતું કે “લૉકડાઉન દરમ્યાન 20 લાખથી વધુ શ્રમિકોએ પોતાના વતનમાં જવા ગુજરાત છોડયુ હતું. આ ઘટના સ્વતંત્ર ભારતનુ સૌથી મોટુ આયોજીત સ્થળાંતર બની રહી હતી. અમારા અંદાજ મુજબ ગુજરાતમાં અન્ય રાજ્યોના 30 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે. ”
ગુજરાત સરકારે કૌશલ્ય વિકાસ અંગે હાથ ધરેલી વિવિધ પહેલ અંગે વાત કરતાં શ્રી મિત્રાએ જણાવ્યુ હતું કે સરકાર મારફતે સંચાલિત 287 ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓમાંથી દર વર્ષે 1.6 લાખથી વધુ વિદ્યાર્થી તાલિમ લઈને બહાર આવે છે.
તેમણે કહ્યુ કે “અમારી પાસે ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ મારફતે વિવિધ ટ્રેડમાં મોટી સંખ્યામાં તાલિમ આપવા માટેની વ્યવસ્થા છે. અમે જીઆઈઝેડની સહાયથી આ ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓને અપગ્રેડ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છીએ. રાજ્ય સરકારે આ પ્રસ્તાવ ને મંજૂરી આપી દીધી છે ”
લોકડાઉન દરમ્યાન ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓના ઈન્સ્ટ્રકટરોએ 2,000થી વધુ કલાકની ઓનલાઈન શિક્ષણ સામગ્રી તૈયાર કરી છે. વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે આ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે.
શ્રી મિત્રાએ તાજેતરમાં સરકાર મારફતે હાથ ધરવામાં આવેલા કેટલાક કામદાર સુધારા અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે આ સુધારાથી વિવિધ બિઝનેસ માટે મૂડીરોકાણ કરવાનુ આસાન બની જશે.