રોડ ઉપર ખીલા મારી ઢોર બાંધનારા પશુપાલકો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ
રસ્તા ઉપર ઢોર રખડતા મુકનારા અને ઢોર પકડવામાં અડચણરૂપ બનનારા ૧પર જણા સામે પોલીસ ફરીયાદ
(એજન્સી) અમદાવાદ, શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હલ કરવા માટે અનેેકવિધ આકરા પગલાં લેનારા મ્યુનિસિપલ સતાધીશોએ હવે વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ખીલા ખૂંટા લગાવી ઢોર બાંધનારા પશુપાલકો સામે પણ કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છેે.
મ્યુનિસિપલ સીએનસીડી ખાતાનો હવાલો સંભાળતા અધિકારી નરેશ રાજપૂતે જણાવ્યુ હતુ કે હાઈકોર્ટના આદેશને પગલે સીએનસીડી ખાતાએ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવી છે. તેમાં ભૂલાભાઈ પાર્ક, લાટીબજાર, એસ.ટી.સ્ટેન્ડથી મજુર ગામનો રોડ,
ઈન્ડીયા કોલોની, બાપુનગર, અને વિરાટનગર સહિતના વિસ્તારોમાં કેટલાંય પશુપાલકો રડ અને ફૂટપાથ ઉપર ખીલા ખૂૃટા મારીનેે કે દોરડાથી ઢોર બાંધીને રાખીને રાહદારીઓ અને વાહનચાલકોને અડચણ ઉભી કરતા હોવાનું ધ્યાને આવતા આવા પશુપાલકોને પહેલાં સમજાવાશે અને નહીં માને તો તેમની સામે પોલીસ ફરીયાદ અને દબાણ હટાવવાની વગેરે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમા વિગત આપતા જણાવ્યુ હતુ કે નવેમ્બર મહિનામાં સીઅનસીડી ખાતાએ ૧૯૮૪ રખડતા ઢોર પકડીને ડબ્બે પૂર્યા હતા. તેમાંથી રર૮ પશુઓ છોડવામાં આવ્યા હતા. પશુપાલકો પાસેથી ૧૪.૩૦ લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ સિવાય રોડ ઉપર ઢોર રખડતા મુકનારા અને ઢોર પકડવાની કામગીરીમાં અડચણો ઉભી કરતા ૧પર પશુપાલકો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
સીએનસીડી વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે મ્યુનિસિપલમાં ઢોર પુરવાના ડબ્બામાંથી પશુપાલકો તેમને જરૂર હોય તેવા જ ઢોર લઈ જતા હોય છે. તેના કારણે ડબ્બામાં બિનઉપયોગી બનતા ઢોરની સંખ્યા વધતી જતી હોઈ આવા ઢોરને રાજયની જુદી જુદી પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. તે મુજબ નવેમ્બર મહિનામાં ૧૪૭૬ ઢોરને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. તેની પાછળ મ્યુનિસિપલને ખાસ્સો એવો ખર્ચ કરવો પડે છે.