રોડ પરથી પાણી ઓસર્યા બાદ મોરબી-કચ્છ હાઈવે ફરી શરૂ
મોરબી, આમ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર કેટલાક જીલ્લાઓમાં મેઘ કહેર સાબિત થઈ છે. જેનો બોલતો પુરાવો છે મોરબીનો માળિયા મીયાણા વિસ્તાર છે. જ્યાં મચ્છુ ૨ ડેમમાંથી છોડાયેલા પાણીના ધસમસતા પ્રવાહે નેશનલ હાઇવે તહેશ નહેશ કરી નાખ્યો છે.
#Morbi #kutch highway close due to #machhu river overflow pic.twitter.com/BMKVvKpK1H
— Gopi Maniar ghanghar (@gopimaniar) August 24, 2020
નેશનલ હાઇવેની ગઇકાલની અને આજની સ્થિતિની તસવીરો આ ભયાવહ સ્થિતિની સાક્ષી પુરી રહી છે. ગઇકાલે આ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ આજે તે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી ને પગલે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ માળિયા, હળવદના ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. ઉપરવાસમાંથી પણ પાણી આવતા મચ્છુ ૨ ડેમ ઓવર ફ્લો થયો હતો.
તેના કારણે એક સમયે ડેમના ૩૨ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું. મચ્છુ ડેમના આ છોડવામાં આવેલા પાણીએ સ્થિતિ વધુ ભયાનક કરી નાખી હતી. મોરબી અને કચ્છને જોડતા નેશનલ હાઇવે પર ડેમના પાણી ફરી વળ્યાં હતા. આ પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક, એક કાર અને એક ટેમ્પો તણાયા હતા. અને કલાકો સુધી રોડની બંને તરફ વાહનોની કતારો લાગી હતી.
અમદાવાદથી કચ્છ તરફ અને ક્ચ્છથી અમદાવાદ, રાજકોટ, જામનગર મોરબી તરફ જઈ રહેલા લોકો રોડ પર અટવાઈ પડ્યા હતા. બીજીતરફ વરસાદનું જોર ઘટતા હાઇવે રોડ પરથી પાણી તો ઓસર્યા પણ હવે સ્થિતિ વધુ ભયાવહ સામે આવી છે. કારણ કે, કલાકો સુધી અટવાય પડેલા વાહનો, બસોના વાહન વ્યવહારને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. મિયાણા પોલીસ આખી રાત ટ્રાફિકને ફરી શરૂ કરવા મથ્યા હતા. જોકે, મચ્છુના પાણીના પ્રવાહે નેશનલ હાઇવેને ધોઈ નાખ્યો છે. હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા છે.
જેના કારણે રોડ પરથી પાણી ઓસર્યા બાદ પણ વાહનોનો ટ્રાફિક જામ ૭-૭ કિલોમીટર સુધી જોવા મળ્યો છે. મહત્વનું છે કે, ૨૦૧૭મા પણ આજ રીતે ભારે વરસાદ ખાબક્યો હતો. આજ રીતે મચ્છુ ડેમ ઓવરફ્લો થતા પાણીથી હાઇવે ધોવાઈ ગયો હતો. ત્યારે સવાલ એ થાય છે કે શું મચ્છુના પાણી ના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કે દરવખતે તેના પાણી લોકો માટે આફત સર્જે છે તેમ છતાં મોરબીનું પ્રસાશન હાથ પર હાથ ધરી ને બેઠું છે. SSS