રોડ બનાવવા પૈસા નથી: પ્રતિ કિ.મી. માત્ર ૪ રૂપિયાનાં ભાવથી ભારત ભ્રમણ કરી રહેલા મ્યુનિ.અધિકારીઓ
અધિકારીઓ-હોદ્દેદારો માટે રોજ ૨૨૦ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છેઃ મ્યુનિ.કોર્પાે.માં દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પાછળ રૂા.૧૫ કરોડનું ધુમાડો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના વહીવટી વડા આર્થિક તંગીનો રાગ આલાપી રહ્યા છે. જ્યારે સત્તાધારી પાર્ટી વિકાસના કામો ઝડપભેર થઈ રહ્યા હોવાના દાવા કરે છે. આમ, મ્યુનિ.હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ પરસ્પર વિરોધી નિવેદન કરી રહ્યા છે. જ્યારે નિષ્ણાંતોના મંતવ્ય મુજબ મ્યુનિ.કોર્પાેરેશનને પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ મળી રહે છે તેમજ દર વર્ષે નોનટેક્ષ અને ટેક્ષની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેમ છતાં આર્થિક સંકડામણની વાતો થઈ રહી છે તે બાબત થોડી આશ્ચર્યજનક માનવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશનની આર્થિક તંગીનું મુખ્ય કારણ પ્રજાલક્ષી કામો માટેના ખર્ચ નથી પરંતુ મ્યુનિ.મહાનુભાવો દ્વારા થઈ રહેલા ખોટા ખર્ચ કે દેશભરમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદમાં પણ એક વખત પેટ્રોલ-ડીઝલનો ભાવ રૂા.૧૦૫ થઇ ગયો હતો. તેમ છતાં મ્યુનિ.બાબુઓનો સ્વ ઉપયોગ માટે પ્રતી કિ.મી.માત્ર રૂા.ચારના ભાવથી મનપાના ગાડી-ડ્રાયવરનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે અલગ-અલગ કેડરના અધિકારીઓ માટે રોજ ૨૦૦ કરતા વધુ ગાડીઓ પેટ્રોલ-ડીઝલનો ધુમાડો કરી રહી છે. મ્યુનિ.કમીશનર દ્વારા આ ધૂમાડા પર નિયંત્રણ કરવામાં આવે તો રોડ કામ માટે “ડામર”ના ધુમાડા કરવામાં કોઈ જ નાણાંકીય ભીડ નડે તેમ નથી.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના અધિકારીઓ ખરા અર્થમાં “રાજા શાહી” ભોગવી રહ્યા છે. ૧૯૪૭ બાદ રાજા-મહારાજાઓ તેમના રજવાડા છોડી દીધા હતા પરંતુ મ્યુનિ.અધિકારીઓ “શહેરના વિકાસ” માટે એ.સી.ગાડી અને એ.સી.ચેમ્બરોનો વૈભવ છોડી શકતા નથી. દર મહિને લાખો રૂપિયાનો પગાર મેળવતા અધિકારીઓ પણ પ્રતિ કિલોમીટર માત્ર રૂા.ચારના ભાવ ચૂકવી પરિવાર અને મિત્રો સાથે વીક-એન્ડ-મંથ એન્ડની ઉજવણી કરવા માટે મ્યુનિ.ગાડીઓનો ઉપયોગ કરે છે.
પેટ્રોલના ભાવ આસમાને ગયા હોવા છતાં કિલોમીટર દીઠ રૂા.ચારના સસ્તા દરથી થતા ગાડીના ઉપયોગમાં દૈનીક રૂા.૧૫૦૦ના પગારદાર ડ્રાયવરની સેવા વિનામૂલ્યે લઈ રહ્યા છે. આ સેવા એ જ લોકો લઈ રહ્યા છે જે લોકો પ્રજા પાસેથી પેટાની વસુલાત માટે આકરા પગલાં લેવા ભલામણ કરતાં હોય છે.
શરમજનક બાબત એ છે કે, આ ભાવ ૨૦૧૫થી અમલી આવ્યાં છે. જે અગાઉ માત્ર ૭૫ પૈસા કિ.મીના ભાવથી મનપાના અધિકારીઓ સ્વ ઉપયોગ માટે ગાડીનો વપરાશ કરી રહ્યાં હતાં.
મ્યુનિ.કોર્પાેરેશનના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો જે સેવાઓ ભોગવી રહ્યા છે તે રાજાઓને પણ શરમાવે તેવી છે. જેના કારણે જ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર પેટ્રોલ, ડીઝલ કે ટ્રાન્સપોર્ટેશન પાછળ થઈ રહ્યો છે. પ્રાપ્ય આંકડા મુજબ મ્યુનિ.કોર્પાેરેશને છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે અંદાજે રૂા.૩૫ કરોડનો ખર્ચ કર્યાે છે. મનપાને ૨૦૧૯-૨૦માં પેટ્રોલ-ડીઝલ માટે રૂા.૧૫.૦૮ કરોડ અને ૨૦૨૦-૨૧માં રૂા.૧૯.૮૩ કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે મોટર વાહનો અને ટ્રાન્સપોર્ટેશન માટે ૨૦૧૯-૨૦માં રૂા.૬૯.૧૫ કરોડ તથા ૨૦૨૦-૨૧માં રૂા.૬૩.૦૬ કરોડનો ધુમાડો કરવામાં આવ્યા હતાં.
મ્યુનિ.હોદ્દેદારો, કમીશનર, ડે.કમીશનર, વર્ગ-૧ના અધિકારીઓ માટે રોજ ૨૧૦ ગાડીઓનો વપરાશ થાય છે. જે પૈકી ૧૧૦ ગાડી મ્યુનિ.માલિકીની છે. જેમાં રૂા.૧૬ લાખની એક એવી ૧૫ ઈનોવા અને રૂા.૧૧ લાખની એક એવી ૧૩ અર્ટીગા પ્રકારની ગાડીઓ છે. જેમાં માલિક રૂા.૫૦ હજાર સુધીનો પગાર મેળવવા ડ્રાયવરો ફરજ બજાવી રહ્યા છે. મનપા દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરો પાસેથી ૧૦૦ ગાડીઓ ભાડે લેવામાં આવી છે. જેના માટે પ્રતી ગાડી દૈનિક રૂા.૯૩૦ ચૂકવાય છે.
આમ, ખાનગી ગાડીઓ માટે દૈનીક રૂા.૯૩ હજારનો ધુમાડો થઈ રહ્યો છે. મ્યુનિ.કમિશનરને હોદ્દાની રૂએ બે તથા મેયરને ત્રણ ગાડી અંગત વપરાશ માટે મળે છે. આ બે મહાનુભાવોની પાંચ ગાડીના ડ્રાયવર માટે દર મહિને રૂા.૨.૫૦ લાખ ચૂકવાય છે. (જાે તેઓ ઉપયોગ કરી રહ્યા હોય તો) એક અંદાજ પ્રમાણે મ્યુનિ.કોર્પાેરેશનમાં દૈનિક ૪ હજાર લિટર ડીઝલ અને ૧૨૦ લિટર પેટ્રોલની ખરીદી થાય છે. જેની વાર્ષિક રકમ રૂા.૧૫ કરોડ કરતાં પણ વધારે થાય છે.
મ્યુનિ.અધિકારીઓ પાસે પ્રજાકીય કામ માટે પૈસા નથી પરંતુ અંગત ઉપયોગ માટે પ્રજાના પૈસાનો ધુમાડો કરતાં તેઓ ખચકાતા નથી તેવી ચર્ચા પણ થઈ રહી છે.
મ્યુનિ. શાસકોને ઉત્સવો-મહોત્સવોની ઉજવણીમાં વધુ રસ છે. જેના માટે પણ દર વરસે પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. વાર્ષિક મહોત્સવો અને તહેવારોની ઉજવણી પાછળ ૨૦૧૮-૧૯માં રૂા.૧૭.૧૯ કરોડ, ૨૦૧૯-૨૦૨૦માં રૂા.૨૨.૪૦ કરોડ તથા ૨૦૨૦-૨૧માં રૂા.૨૪.૨૫ કરોડનો ખર્ચ “વેરાની આવક”માંથી કરવામાં આવ્યો હતાં જ્યારે ૨૦૧૧-૧૨થી ૨૦૧૫-૧૬ સુધી ઉત્સવ-મહોત્સવો માટે રૂા.૬૪.૬૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે તંત્ર દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓને જે ટેલીફોન સેવા આપવામાં આવી રહી છે તેના બીલ પેટે ૨૦૧૯-૨૦માં ટેલીફોન બીલ પેટે રૂા.૨.૨૬ કરોડ અને ૨૦૨૦-૨૧માં રૂા.૨.૮૫ કરોડ ચૂકવાયા હતા. તેમ છતાં પ્રજાના ફોન રીસીવ થતા નથી.