રોપડાની પ્રાથમિક શાળા જ્યાં સ્માર્ટ ક્લાસથી ડિજિટલ શિક્ષણ સાથે કોમ્પ્યુટર શીખવાય છે
દસક્રોઇ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા રોપડા જ્યાં સ્માર્ટ ક્લાસથી ડિજિટલ શિક્ષણ સાથે કોમ્પ્યુટર શીખવાય છે
શાળાના આચાર્યશ્રી નિશ્વિતભાઇના સાર્થક પ્રયાસથી બાળકોને ડિજિટલ શિક્ષણ મળી રહ્યું છે
આદિ-અનાદિ પર્વોથી આપણે ત્યાં ગુરુનું મહત્વ ચાલ્યું આવે છે. જે વ્યક્તિ આપણને અજ્ઞાનતાના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય એ ગુરુ છે. માસ્તરજી અને શિક્ષકથી લઈને ટીચર સુધી અનેક નામો ગુરુને અપાયાં છે. આ ગુરુ આપણા અજ્ઞાનનું અંધારું દૂર કરી પ્રકાશ રેલાવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે એક વાર અજ્ઞાનનું અંધારું દૂર થાય પછી બધા જ પ્રકારની મુશ્કેલીઓનો અંધકાર દૂર થઈ જતો હોય છે. એટલે જ આપણે ત્યાં ગુરુને ભગવાન કરતાં પણ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા રોપડામાં આચાર્યશ્રી નિશ્વિતભાઇ આચાર્યએ ભાર વગરના ભણતરના સુત્રને સાર્થક કર્યું છે. શાળામાં સ્માર્ટ કલાસ દ્વારા ડિજિટલ શિક્ષણ સાથે કોમ્પ્યુટર શીખવાય છે.
શાળાના ઈ-મેઈલ, ટ્વિટર, ગૂગલ બ્લોગ, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર શાળાની તમામ પ્રવૃતિઓ પ્રદર્શિત થતા શાળા સાથે જોડાયેલ દેશ વિદેશના વ્યક્તિ પણ આ નિહાળી સુજાવ આપી શકે છે. બાળકો વેકેશનમાં પોતાની શાળાની પ્રવૃતિઓ અન્ય સાથે સગા સંબંધી સાથે શેર કરી શકે છે.
સરકારી પ્રાથમિક શાળા રોપડામાં આચાર્યશ્રી નિશ્વિતભાઇએ જણાવ્યું કે, શાળા દ્વારા શિક્ષણ , પર્યાવરણ બચાવ, ગ્રીન વિલેજ ગ્રીન સ્કુલ અને વાલી જાગૃતિને લગતા શિક્ષણને લાગતા 10 જેટલા વિવિધ ઈનોવેટિવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. સોફોસ કંપનીએ ગામ અને શાળાને દત્તક લઇ ભૌતિક સુધાર કરવાના પ્રયત્નો કરી રહેલ છે. હમણાજ આ કંપની દ્વારા 1 કરોડ જેટલા ખર્ચે શાળામાં નવા ઓરડા બનાવવામાં આવી રહ્યા છે.
દર શનિવારે શાળા સમય બાદ શાળાના બાળકોને ગામનાં સંગીત રસિકો દ્વારા સંગીત શીખવવામાં આવે છે. અને શાળાનાં બાળકો તબલા, ઢોલ, વાજિંત્રા, હારામોનિયમ, સાથે તાલબદ્ધ ગાવાનું શીખી રહ્યા છે. દર વર્ષે 3 વાર આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. બાળકોની આરોગ્યની તપાસની કરી યોગ્ય દવા તથા ડાયેટ પ્લાન આપવામાં આવે છે. આમ શિક્ષણમાં રમતને પ્રાધાન્ય આપવાથી બાળકો તમામ ક્ષેત્રે સારો દેખાવ કરી શકે છે.
રોપડા ગામમાં વિવિધ રમતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ત્યારે જૂજ બાળકોને તેમના વાલી દ્વારા છૂટ આપવામાં આવેલ પરંતુ સફળ થયા બાદ આજે ગામની શાળાના 140 જેટલા બાળકો સ્કેટિંગ કરી શકે છે તથા 80 જેટલા બાળકોએ કરાટેની પાંચ જેટલી તાલીમ મેળવેલ છે. સ્કેટિંગમાં રોપડા શાળાએ 10 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર રાજ્યમાં ખ્યાતિ મેળવેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મેરાથોન અને ટ્રાયલોથોન જેવી આંતર રાષ્ટ્રીય એથ્લેટિક રમતોમાં બાળકો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. અત્યાર સુધી 36 જેટલા વિદેશી લોકોએ ગામની મુલાકાત લઈ શાળાના બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે વિવિધ સહાય આપેલ છે. IIM દ્વારા શાળાના ઇનોવેશન અને બાળકોની વાર્તાઓને સ્થાન આપવામાં આવ્યું.