Western Times News

Gujarati News

રોમેન્ટિક કોમેડી ગુજરાતી ફિલ્મ ‘ચાસણી – મીઠાશ જિંદગી’નું ટ્રેલર લોન્ચ થયું

• ફિલ્મમાં રિક્રિએટ કરાયેલા ગરબા એન્થમને યુવાનો તરફથી જબરદસ્ત પ્રતિસાદ
• સમગ્ર પરિવાર સાથે જોઇ શકાય તેવી ફિલ્મની આતુરતાઇથી જોવાતી રાહ

અમદાવાદ,  દિવ્યાંગ ઠક્કર, મનોજ જોશી, સેજલ શાહ, માયરા દોશી અને ઓજસ રાવલ સહિતના દિગ્ગજ કલાકારોને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ચાસણીનું આજે શહેરમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ફિલ્મના તમામ કલાકારોએ ઉપસ્થિત રહ્યાં હતાં.

એકદમ નવી વાર્તા અને પરિવારોને સુંદર સંદેશો આપતી ફિલ્મ ચાસણી – મીઠાશ જિંદગીમાં બે પેઢી વચ્ચેના વિચારોમાં તફાવત અને પ્રેમના તાણાવાણાને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. લગ્નના ૨૫ વર્ષના જીવનમાં દંપત્તિ વચ્ચે પ્રેમ તો છે, પરંતુ પારિવારિક વ્યસ્તતાને કારણે બંન્ને વચ્ચેનો પ્રેમ લગભગ ભુલાઇ ગયો છે. આ દરમિયાન નવી વિચારધારા ધરાવતા અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવાન આ વૃદ્ધ દંપત્તિને લગ્નના ૨૫ વર્ષ પછી પણ તેમનામાં એકબીજા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ કરાવે છે. લાગણીસભર દ્રશ્યોને ખુબજ સુંદર રીતે ફિલ્મમાં આવરી લેવાયા છે.

૧૯ જુલાઇના રોજ સમગ્ર ગુજરાતના થિયેટરમાં આ ફિલ્મ રિલિઝ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મમાં એક ગરબા એન્થમ પણ સામેલ કરાયું છે, જેને રિક્રિએટ કરવામાં આવ્યું છે. કિર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગરબાને રાજ્યભરના યુવાનો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણાં યુવાનોએ આ ગીત ઉપર ગરબા રમીને સોશિયલ મીડિયા ઉપર પોતાના વિડિયો વહેતા કર્યાં છે. આ ઉપરાંત બીજા ગીતોને જીગરદાન ગઠવી કંઠ આપ્યો છે જેમા વીએફએક્સનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ ઘટના છે અને આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ છે. આવનારી બીજી ગુજરાતી ફિલ્મોને પણ આ પહેલથી નવી દિશા મળશે તેવી અપેક્ષા છે. ફિલ્મનું શુટિંગ મુંબઇ, સુરત તથા ગરબાનું શુટિંગ આણંદમાં કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મોમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્‌યાં બાદ હવે દિવ્યાંગ ઠક્કર હિન્દી ફિલ્મ જગતમાં પણ પોતાની પ્રતિભા દર્શાવવા જઇ રહ્યાં છે. ટૂંક સમયમાં યશરાજ બેનરની તથા રણવીર સિંઘને ચમકાવતી આવનારી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ તેઓ ડાયરેક્ટર કરશે. સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત માટે આ ગર્વની વાત છે.

ફિલ્મના ડાયરેક્ટર અભિન્ન-મંથન છે તથા ગીતો મંથન જોશીએ લખ્યાં છે. મ્યુઝિક પ્રશાંત સતોસેએ આપ્યું છે. શુકુલ શોબીઝ અને સાગર એસ. શર્મા દ્વારા પ્રાયોજિત તથા મુન્ના શુકુલ અને શિખા શર્મા દ્વારા પ્રોડ્‌યુસ કરાયેલી આ ફિલ્મના કો-પ્રોડ્‌યુસર જયેશ પટેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.