રોયલ ચેલેન્જર્સે હર્ષલને ૧૦.૭૫ કરોડમાં ખરીદ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Harshal-Patel.jpg)
મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનમાં મૂળ ગુજરાતના સાણંદના હર્ષલ પટેલની લોટરી લાગી ગઈ છે. રોયલ ચેલેન્જર્સની ટીમે ૧૦.૭૫ કરોડ રૂપિયા ખર્ચીને મેગા ઓક્શનમાં હર્ષલ પટેલને ખરીદ્યો હતો. જાે કે, ઓક્શન દરમિયાન હર્ષલ પટેલને ખરીદવા માટે ઘણી ટીમો વચ્ચે હોડ જામી હતી.
પણ તેમાંથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને બેંગલોરની વચ્ચે જાેરદાર મુકાબલો જાેવા મળ્યો હતો અને આખરે બેંગલોરની ટીમે બાજી મારી દીધીહતી.
તમને જાણીને નવાઈ લાગશે પણ હર્ષલ પટેલ આરસીબીનો જ પ્લેયર હતો પણ આઈપીએલ ૨૦૨૧ બાદ આરસીબીએ તેને રિલીઝ કરી દીધો હતો. ૨૦૨૧માં હર્ષલ પટેલને ૨ કરોડ રૂપિયા મળ્યા હતા. અને આરસીબીએ ૨૦૨૨ માટે તેને ૫ ગણી વધારે રકમ આપીને પોતાની ટીમમાં ફરીથી સામેલ કર્યો હતો. ગત સિઝનમાં હર્ષલ પટેલ સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર બન્યો હતો.
આઈપીએલ ૨૦૨૨ ઓક્શન દરમિયાન આરસીબીએ સૌથી પહેલાં હર્ષલ પટેલ પર દાવ લગાવ્યો હતો. જાે કે, ગત સિઝનમાં સૌથી વધારે વિકેટ લેવાને કારણે અન્ય ટીમો પણ હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઉત્સુક હતી. આરસીબી બાદ સીએસકેએ તેના પર દાવ લગાવ્યો અને તેણે પોતાનું પેડલ નીચે જ કર્યું ન હતું. અને આ કારણે હર્ષલ પટેલની બોલી ચાર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી.
જાે કે આરસીબી આજે કોઈપણ કિંમતે હર્ષલ પટેલને ખરીદવા ઈચ્છૂક હતી. જેથી આરસીબીએ ૪.૪૦ કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. જે બાદ સીએસકે બોલીમાંથી ખસી ગઈ હતી. પણ સીએસકે બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ મેદાનમાં કૂદી પડી હતી.
હર્ષલ પટેલ માટે હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે બોલીનો ખરાખરીનો જંગ જામ્યો હતો અને ચાર કરોડમાંથી બોલી સીધી ૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈમ હતી. અને આખરે હૈદરાબાદની ટીમે હાર માની લીધી અને આરસીબીની ટીમે હર્ષલ પટેલને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
હર્ષલ પટેલે અત્યાર સુધી આઈપીએલમાં ૬૩ મેચો રમી છે અને તેણે ૭૮ વિકેટ ઝડપી છેય ૨૭ રન આપીને પાંચ વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન છે. તે આઈપીએલમાં તે હેટ્રિક પણ લઈ ચૂક્યો છે. હર્ષલ પટેલ અમદાવાદ નજીક આવેલા સાણંદનો વતની છે. ૨૦૦૯-૧૦માં ગુજરાતની ટીમ તરફથી વન-ડે ડેબ્યૂ કર્યુ હતું. ૨૦૧૦માં અંડર-૧૯ વર્લ્ડકપમાં પણ તેની પસંદગી થઈ હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ કોન્ટ્રાક્ટ મેળવનારા ત્રણ ખેલાડી પૈકીનો એક હતો.
શાનદાર પ્રદર્શન છતાં ગુજરાતની ટીમના પસંદગીકર્તા દ્વારા અવગણના કરવામાં આવતાં તેણે હરિયાણા તરફથી રમવાનો ફેંસલો કર્યો હતો. ૨૦૧૧-૧૨ની રણજી ટ્રોફી સીઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઇનલમાં તેણે જબરદસ્ત દેખાવ કર્યો હતો. ૨૦૧૨માં આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કરાર કર્યો હતો.
જાે કે, આરસીબીમાં હર્ષલ પટેલનું કરિયર કાંઈ ખાસ રહ્યું ન હતું. ૨૦૧૮ના મેગા ઓક્શનમાં હર્ષલને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. પછી આઈપીએલ ૨૦૨૧ પહેલાં દિલ્હીએ હર્ષલને બેંગલોરને આપી દીધો હતો. આ સિઝનને કારણે હર્ષલના કરિયરમાં ધરખમ બદલાવ આવ્યો હતો. તેણે ૩૨ વિકેટ લીધી હતી અને આઈપીએલની એક સિઝનમાં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો હતો.SSS