Western Times News

Gujarati News

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કોલકાતા સામે ૮૨ રને વિજય

દુબઈ: એબી ડી વિલિયર્સની ઝંઝાવાતી અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આજે રમાયેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૮૨ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૨૮મી મેચમાં બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા કોલકાતા સામે ૧૯૫ રનનો કપરો લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૧૨ રન જ નોંધાવી શકી હતી. બેંગલોરના બોલર્સ સામે કોલકાતાના બેટ્‌સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

એક પણ સમયે કોલકાતા મેચ જીતવાની સ્થિતિમાં લાગી રહ્યું ન હતું. અગાઉ ડી વિલિયર્સના ૩૩ બોલમાં અણનમ ૭૩ રનની મદદથી બેંગલોરે ૨૦ ઓવરમાં બે વિકેટે ૧૯૪ રનનો સ્કોર ખડક્યો હતો. આ વિજય સાથે જ કોલકાતાને પાછળ રાખીને બેંગલોર પોઈન્ટ્‌સ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ૧૯૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ શરૂઆતથી જ લડત આપવામાં નિષ્ફળ રહી હતી. ટોમ બેન્ટન અને શુભમન ગિલ ટીમને યોગ્ય શરૂઆત અપાવી શક્યા ન હતા. બેન્ટન આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. શુભમન ગિલે ટીમ માટે સૌથી વધુ ૩૪ રન નોંધાવ્યા હતા. કોલકાતાનો એક પણ બેટ્‌સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો.

ગિલ ઉપરાંત આન્દ્રે રસેલ અને રાહુલ ત્રિપાઠીએ ૧૬-૧૬ રન નોંધાવ્યા હતા. બેંગલોર માટે ક્રિસ મોરિસ વધુ એક વખત સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે પણ બે વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને ઈસુરુ ઉદાનાને એક-એક સફળતા મળી હતી. અગાઉ એબી ડી વિલિયર્સની તોફાની અડધી સદી તથા એરોન ફિંચની આક્રમક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શારજાહમાં રમાઈ રહેલા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૧૯૫ રનનો લક્ષ્યાંક મૂક્યો છે. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૨૮મી મેચમાં બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.

કોહલીના ર્નિણયને યોગ્ય ઠેરવતા બેંગલોરના ટોપ ઓર્ડરે આક્રમક બેટિંગ કરી હતી. જેની મદદથી બેંગલોરે નિર્ધારીત ૨૦ ઓવરમાં બે વિકેટે ૧૯૪ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. જેમાં ડી વિલિયર્સે છ સિક્સર અને પાંચ ચોગ્ગાની મદદથી ૩૩ બોલમાં અણનમ ૭૩ રનની ઈનિંગ્સ રમી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમને એરોન ફિંચ અને દેવદત્ત પડીક્કલે શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંનેએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. છેલ્લી કેટલીક મેચમાં નિરાશાજનક પ્રદર્શન કરનારા એરોન ફિંચે પોતાનું ફોર્મ મેળવી લીધું હતું. ફિંચ અને દેવદત્તની જોડીએ ૭.૪ ઓવરમાં ૬૭ રનની ભાગીદારી નોંધાવી હતી.

દેવદત્ત ૨૩ બોલમાં ૩૨ રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ફિંચે ૩૭ બોમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૪૭ રન નોંધાવ્યા હતા. જોકે, બેંગલોરની બેટિંગનું સૌથી મોટુ આકર્ષણ એબી ડી વિલિયર્સની તોફાની બેટિંગ રહી હતી. સામે છેડે તેને કેપ્ટન કોહલીનો સાથ મળ્યો હતો. સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્‌સમેને કોલકાતાના બોલર્સની મન મૂકીને ધોલાઈ કરી હતી.

ડી વિલિયર્સ અને કોહલીએ ૧૦૦ રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. બંને બેટ્‌સમેન ઈનિંગ્સના અંત સુધી નોટઆઉટ રહ્યા હતા. ડી વિલિયર્સે તેના આગવા અંદાજમાં બેટિંગ કરતા ૩૩ બોલમાં ૭૩ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે પાંચ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. જ્યારે કોહલીએ એક ચોગ્ગાની મદદથી ૨૮ બોલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા માટે આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક-એક વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.