Western Times News

Gujarati News

રોયલ બેંગલોરે રાજસ્થાન રોયલ્સને ૧૦ વિકેટે હરાવ્યું

મુંબઈ: દેવદત્ત પડિક્કલની વિસ્ફોટક સદી અને કેપ્ટન વિરાટ કોહલીની તોફાની બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરૂવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૧૦ વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. બેંગલોર સામે ૧૭૮ રનનો લક્ષ્યાંક હતો પરંતુ પડિક્કલ અને કોહલીની બેટિંગે મેચને એકતરફી બનાવી દીધી હતી અને આસાનીથી મેચ જીતી લીધી હતી.

બેંગલોરે ટોસ જીતીને રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૭૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં બેંગલોરે ૧૬.૩ ઓવરમાં વિના વિકેટે ૧૮૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. પડિક્કલ ૧૦૧ અને કોહલી ૭૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. બેંગલોર માટે ૧૭૮ રનનો પડકારજનક લક્ષ્યાંક હતો. જાેકે, દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીની જાેડીએ આ લક્ષ્યાંકને એકદમ આસાન બનાવી દીધો હતો.

બંને બેટ્‌સમેનોએ રાજસ્થાનના બોલર્સને આસાનીથી ચોમેર ફટકાર્યા હતા. એક પણ બોલર્સ આ જાેડીને મુશ્કેલીમાં મૂકી શક્યો ન હતો. કોહલી અને પડિક્કલની બેટિંગ લાજવાબ રહી હતી અને તેમના બેટમાંથી આસાનીથી રન આવી રહ્યા હતા. પડિક્કલે આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ૫૨ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૬ સિક્સરની મદદથી અણનમ ૧૦૧ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે વિરાટ કોહલી ૪૭ બોલમાં ૭૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો.

તેણે છ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટોચના ચાર બેટ્‌સમેનમાંથી ફક્ત એક જ બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો હતો. જાેસ બટલર અને મનન વોરાની ઓપનિંગ જાેડી નિષ્ફળ રહી હતી. બટલરે આઠ અને વોરાએ સાત રન નોંધાવ્યા હતા.

જ્યારે ડેવિડ મિલર ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કેપ્ટન સંજૂ સેમસને ૧૮ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૨૧ રનની ઈનિંગ્સ રમી હતી. રાજસ્થાને ૪૩ રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, શિવમ દૂબે અને રાહુલ તેવાટીયાએ રાજસ્થાન રોયલ્સે આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ ટીમના સ્કોરને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

શિવમ દૂબેએ ૩૨ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે તેવાટીયાએ ૨૩ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૦ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિયાન પરાગે ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર માટે મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.