રોહિતે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ કર્યો
રાંચી, હિટમેન રોહિત શર્મા કોઈ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. દક્ષિણ આફ્રિકાની સામે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં રોહિત શર્માએ હજુ સુધી ૧૭ છગ્ગા ફટકાર્યા છે. રોહિતથી પહેલા આ સિદ્ધિ અતવા તો કોઈ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વેસ્ટઈન્ડીઝના ખેલાડી સીમરોન હેટમાયરના નામ ઉપર હતો. હેટમાયરે વર્ષ ૨૦૧૮માં બાંગ્લાદેશની સામે બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧૫ છગ્ગા ફટકારીને આ રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યો હતો.
આજે ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે હિટમેને ૧૧૭ રન કર્યા હતા. હજુ સુધી આ દાવમાં રોહિત શર્માએ ચાર છગ્ગા ફટકારી દીધા છે. રોહિત શર્માએ પોતાના આ દાવમાં પણ કેટલાક રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યા છે. આ મેચમાં સદી ફટકારીને રોહિત શર્માએ કરીયરની છઠ્ઠી સદી ફટકારી છે. વર્તમાન શ્રેણી પહેલા રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં તક મળી ન હતી. આ શ્રેણીથી પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ઓપનીંગ કરવા માટે આવેલા રોહિતે એક પછી એક સિદ્ધિઓ મેળવી છે. ટેસ્ટ ઓપનર તરીકે તે કુલ ૬ સદી પૈકી ૩ સદી કરી ચુક્યો છે.
આ પહેલા પ્રથમ ટેસ્ટ મેચમાં કુલ ૧૩ છગ્ગા લગાવ્યા હતા. એ વખતે કોઈ એક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યો હતો. એ વખતે રોહિત શર્માએ પાકિસ્તાનના વસીમ અકરમના રેકોર્ડને તોડ્યો હતો. અકરમે ૧૨ છગ્ગાનો રેકોર્ડ કર્યો હતો. કોઈ એક ટેસ્ટ શ્રેણીમાં ત્રણ સદી ફટકારનાર રોહિત શર્મા બીજા બેસ્ટમેન બની ગયો છે. રોહિત ઉપરાંત સુનિલ ગાવસ્કરે ત્રણ વખત કોઈ એક ટેસ્ટ શ્રેણીમાં ત્રણ અથવા વધુ વખત ત્રણથી વધુ સદી ફટકારી હતી. આ મેચમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો છે પરંતુ રોહિત શર્માને ફોર્મ યથાવત રહ્યો છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ ખેલાડી તરીકે શરૂઆત કર્યા બાદથી એક પછી એક રેકોર્ડ સર્જવાની શરૂઆત કરી છે. રોહિતના નામ ઉપર હવે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ આવી ગયો છે. રોહિત શર્મા ઓપનિંગ ખેલાડી તરીકે ભારતની મોટી સમસ્યાને દુર કરી ચુક્યો છે. ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા ઓપનિંગને લઈને મોટી સમસ્યા ભારતને સતાવી રહી હતી.