રોહિત પછી ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન કોણ ??
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/india-team-B.jpeg)
રોહિત પછી ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન માટે ૪ ખેલાડીઓના નામ ચર્ચામાં
(એજન્સી)મુંબઇ,ભારતીય ટીમે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પણ ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે મોટો સવાલ એ છે કે ટી ૨૦ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? આ યાદીમાં બે ખેલાડીઓના નામ પહેલા આવી રહ્યા છે.
શુભમન ગિલ ઃ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. અગાઉ આઇપીએલ ૨૦૨૪માં ગિલ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જો ગિલની કપ્તાનીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહેશે તો તેને આગામી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
ટી ૨૦ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. આ વર્લ્ડ કપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંડ્યાએ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે. હાર્દિક પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે, તેની કેપ્ટન્સીમાં ઘણી ટી-૨૦ સિરીઝ પણ જીતી છે. આ સિવાય હાર્દિકે આઇપીએલની ત્રણ સિઝનમાં કેપ્ટનશિપ પણ કરી છે.
રોહિત બાદ ટી ૨૦ ટીમનો કેપ્ટન બનવા માટે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામે આવી રહ્યું છે. સૂર્યકુમાર ટી ૨૦ ક્રિકેટના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. ટી૨૦ વર્લ્ડ કપમાં પણ સૂર્યાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સૂર્યકુમાર યાદવ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાના શાનદાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અત્યારે ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય પરંતુ તે કેપ્ટનશિપ માટે પોતાનો દાવો પણ રજૂ કરી શકે છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો.