રોહિત શર્માએ ૩.૧૫ કરોડની લેમ્બોર્ગિની ઉર્સ કાર ખરીદી
નવી દિલ્હી, પોતાના સીનિયર્સ સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને પૂર્વ સુકાની વિરાટ કોહલીની જેમ રોહિત શર્મા પણ લક્ઝરી કારનો શોખ ધરાવે છે. તાજેતરમાં જ રોહિત શર્માએ લમ્બોરગિની ઉર્સ કાર ખરીદી છે. ભારતમાં આ કાર ઘણાં ઓછા લોકો પાસે છે. આ કાર માત્ર ૩-૪ સેકન્ડમાં જ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ કારનો રંગ ટીમ ઈન્ડિયાની જર્સીના રંગ જેવો છે.
રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માએ ખરીદેલી લમ્બોરગિની ઉર્સની કિંમત ૩.૧૫ કરોડ રુપિયા છે. આ કારનો શેડ ડાર્ક બ્લૂ છે જેને બ્લૂ એલિઓસ કલર પણ કહેવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયાની જર્સી પણ આ જ રંગની છે. રોહિત શર્માનો મનપસંદ રંગ બ્લૂ હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલા રોહિત શર્માએ બીએમડબલ્યુ એમ૫ કાર ખરીદી હતી, જેનો રંગ પણ બ્લૂ જ હતો. રોહિત શર્મા પાસે ટોયટા ફોર્ચ્યુનર, મર્સિડિસ જીએલએસ ૩૫૦ડી, બીએમડબલ્યુ૫ અને બીએમડબલ્યુએક્સ૩ કારનું જબરદસ્ત કલેક્શન છે.
લમ્બોરગિની ઉર્સ ની વાત કરીએ તો તેમાં ૪.૪ લીટરનું ટર્બોચાર્જ્ડ વી૮ એન્જિન છે. તેની મોટર ૬૪૧ બીએચપી મેક્સિમમ પાવર અને ૮૫૦ એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનમાં ૮-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું. કારમાં ઑલ વ્હીલ-ડ્રાઈવ આપવામાં આવી છે. આ દુનિયાની સૌથી ઝડપી એસયુવીમાંથી એક છે. તેમાં ૩૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે.
આ કાર માત્ર ૩.૬ સેકન્ડમાં ૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. રોહિત શર્માએ પોતાની મરજી અનુસાર આ કારનું ઈન્ટિરિયર સેટ કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન બન્યા પછી રોહિત શર્માએ ઘણું સારું પર્ફોમન્સ આપ્યું છે. તેણે ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકા વિરુદ્ધ સીરિઝ ક્લીન સ્વિપ કરી હતી અને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ નંબર વન રેન્ક ટીમ બનાવી દીધી છે. અત્યારે તે મોહાલીમાં છે અને શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે. આ મેચ પૂર્વ સુકાની વિરાટ કોહલીના કરિયરની ૧૦૦મી ટેસ્ટ પણ હશે.SSS