Western Times News

Gujarati News

રોહિત શર્માના નામે હવે સૌથી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો

નવીદિલ્હી,ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે સૌથી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ભારતના સ્ટાર બેટરે શનિવારે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટી૨૦ મેચમાં પોતાના કરિયરની ૧૨૭મી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. રોહિત હવે સૌથી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસા પેરી અને ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર સૂઝી બેટ્‌સના ૧૨૬ મેચના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. રોહિત પહેલા આ બંનેના નામે પુરૂષ અને મહિલા ક્રિકેટ બંનેમાં સર્વાધિક ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ હતો.

પરંતુ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની સિરીઝની પ્રથમ બે મેચ રમીને રોહિતે આ મામલે સરસાઈ બનાવી લીધી છે.૩૫ વર્ષીય ભારતીય બેટર રોહિત પુરૂષ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે ૧૨૭ મેચની ૧૧૯ ઈનિંગમાં અત્યાર સુધી ૩૩૬૮ રન બનાવ્યા છે. તેના નામે ચાર સદી અને ૨૬ અડધી સદી નોંધાયેલી છે.

પુરૂષ-મહિલા બંનેમાં રોહિત હજુ પણ સર્વાધિક ટી૨૦ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બીજાે ખેલાડી છે. ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર સૂઝી બેટ્‌સ ૧૨૬ મેચની ૧૨૩ ઈનિંગમાં ૩૩૮૦ રન સાથે ટોપ પર છે. રોહિત જાે રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી૨૦ મેચમાં ૧૩ કે તેનાથી વધુ રન બનાવશે તો બેટ્‌સને પાછળ છોડી મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં સર્વાધિક રન બનાવનાર બેટર બની જશે.મેન્સ ક્રિકેટમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શોએબ મલિક ૧૨૪ મેચની સાથે બીજા અને ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝ ૧૧૯ મેચની સાથે ત્રીજા નંબરે છે.

બંને ક્રિકેટર પાછલા આઈસીસી ટી૨૦ વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમના સભ્ય હતા. રોહિત ૨૦૦૭માં આઈસીસી મેન્સ ટી૨૦ વિશ્વકપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો. ૧૫ વર્ષના પોતાના લાંબા કરિયરમાં તેના નામે સર્વાધિક મેચ રમવાનો અને સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ છે.HM


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.