રોહિત શર્માના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૦૦૦ રન પૂરા
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટનો બીજાે દિવસ ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્મા માટે ખાસ રહ્યો. રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે.
રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૦૦૦ રન પૂરા કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે. ઓવરઓલ વાત કરીએ તો રોહિત આ કારનામું કરનારો દુનિયાનો છઠ્ઠો ખેલાડી છે અને ભારત તરફથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૦૦૦ રન પૂરા કરનાર રોહિત બીજાે બેટ્સમેન છે. રોહિત અગાઉ ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે ૧૦૦૦ રન પૂરા કરી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયાના યુવા સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેને અત્યાર સુધીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. લાબુશેનના નામે ૧૬૭૫ રન નોંધાયેલા છે. બીજા નંબરે ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટ છે જેણે મેચ અગાઉ ૧૬૨૫ રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ છે જેમણે અત્યાર સુધીમાં ૧૩૪૧ રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચનો પહેલો દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં ભારતે ઈંગ્લેન્ડ પર પોતાનો સકંજાે કસી લીધો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ફક્ત ૨૦૫ રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી અક્ષર પટેલે ૪ અને રવિચંદ્રન અશ્વિને ૩ વિકેટ લીધી. ચોથી ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્મા ૪૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રોહિતને બેન સ્ટોક્સે આઉટ કર્યો.